Get The App

બે પુત્રોની ધરપકડ બાદ મંત્રી બચુ ખાબડ 'સંપર્કવિહોણા', સચિવાલય-સરકારી કાર્યક્રમોમાં જવાનું બંધ કર્યું

Updated: May 20th, 2025

GS TEAM


Google News
Google News
બે પુત્રોની ધરપકડ બાદ મંત્રી બચુ ખાબડ 'સંપર્કવિહોણા', સચિવાલય-સરકારી કાર્યક્રમોમાં જવાનું બંધ કર્યું 1 - image


Gujarat Corruption: દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં 100 કરોડ રૂપિયા કરતા પણ વધુનો ભ્રષ્ટાચાર કરાનારા મંત્રીપુત્ર કિરણ પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બંને પુત્રોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતા કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ પણ સંપર્કવિહોણા થયા છે. કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં હવે બચુ ખાબડનું મંત્રીપદેથી રાજીનામું લેવાશે કે નહીં તે અંગે રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે. 

બચુ ખાબડનું સરકાર રાજીનામું લેશે?

મનરેગા કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાતા મંત્રીપુત્ર બળવંત ખાબડની ધરપકડ થઈ ચુકી છે. આજે બીજા પુત્ર કિરણ પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બંને પુત્રો પકડાતાં મંત્રી બચુ ખાબડ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સૂત્રોનું કહેવું છે કે, સચિવાલયમાં મંત્રી કાર્યાલયમાં પણ બચુ ખાબડ ડોકાતા નથી. પુત્રોના કારસ્તાનને પગલે મંત્રીએ સરકારી કાર્યક્રમમાં જવાનું પણ બંધ કર્યું છે. આ જ મહિનાના અંતમાં વડાપ્રધાન મોદી દાહોદની મુલાકાત લે તેવી શક્યતા છે, જેથી પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સમગ્ર કાર્યક્રમમાં બચુ ખાબડની બાદબાકી કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે બચુ ખાબડનું સરકાર રાજીનામું લઈ લેશે કે, પછી તેમને છાવરશે તેના પર વિપક્ષની નજર મંડાઈ છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં ગોત્રીના ગાયત્રીપુરામાં ડ્રેનેજ ઉભરાતા ચોમાસા જેવી સ્થિતિ : લોકોનો હોબાળો, મતદાનના બહિષ્કારની ચીમકી

દાહોદ જિલ્લામાં 'નલ સે જલ' યોજનામાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો

દાહોદ જિલ્લામાં ધાનપુર-દેવગઢ બારિયા તાલુકાની સાથે સાથે સંજેલી, ફતેપુરા, ઝાલોદ સહિત સમગ્ર જિલ્લામાં 'નલ સે જલ યોજના'માં મોટા પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. છેવાડાના ઘર સુધી નળના માધ્યમથી પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે તેવો સરકાર દાવો કરી રહી છે પણ ઘર પાસે નળ નાંખી દેવાયા છે પરંતુ પાઇપલાઇન જ નંખાઈ નથી. આ જોતાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો મળી છે. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ 22 તારીખે દાહોદ જિલ્લાની મુલાકાત લઈ પુરાવા એકત્ર કરશે અને સમગ્ર નલ સે જલ યોજના કૌભાંડનો પર્દાફાશ કરશે. 

કોંગ્રેસનો સવાલ: કરોડોનો ભ્રષ્ટાચાર કરનારા મંત્રીના ઘરે ED, IT-GST ક્યારે દરોડા પાડશે?

વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યો છે કે, 'દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 100 કરોડ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારે મંત્રીના નિવાસસ્થાને ઈડી-આઈટી ક્યારે દરોડા પાડશે? તેમણે માંગ કરી છે કે, સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ થાય તે માટે પ્રમાણિક અધિકારીના વડપણ હેઠળ SITની રચના કરવામાં આવે. આ ઉપરાંત તટસ્થ તપાસ થાય ત્યાં સુધી બચુ ખાબડને મંત્રીપદેથી દૂર કરવામાં આવે. એટલું જ નહીં, દાહોદ જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં થયેલાં મનરેગાના કામોની તપાસ પણ કરાવવામાં આવે. સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાડનાર કૌભાંડીઓનો વરઘોડો કાઢશો કે નહીં? મુખ્યમંત્રી મંત્રીમંડળમાં ઓપરેશન ગંગાજળ ક્યારે કરશે?'

આ પણ વાંચોઃ ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

કૌભાંડીઓએ સરકારને કરોડોનો ચૂનો ચોપડ્યો 

મનરેગા કૌભાંડમાં ફક્ત ત્રણ ગામોમાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. બંને મંત્રીપુત્રોએ 29.45 કરોડ રૂપિયાના કામો માત્ર કાગળ પર જ કર્યા હતા. બળવંત ખાબડે રાજશ્રી કન્સ્ટ્રકશન કુ. પીપરો મારફતે કરેલા 9 કરોડ રૂપિયાના કામોમાં 82 લાખ રૂપિયાના કામોમાં કૌભાંડ આચર્યું છે. જ્યારે કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સ કંપનીએ 2021થી 2024 દરમિયાન 30 કરોડ ઉપરાંતના કામોમાં ગોટાળા કર્યા હતાં. એન.જે કન્ટ્રક્શનના માલિક પાર્થ બારિયાએ સરકારને 5.2 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.

Tags :