Gujarat

એકમ કસોટીના ધો.9ના ગણિતનું પેપર યુ ટયૂબ પર મુકાયાની અરજી મળી છે : ડીઈઓ

By GS Team
31 Dec 20212 mins read
This article was originally published on 31 Dec 2021
એકમ કસોટીના ધો.9ના ગણિતનું પેપર યુ ટયૂબ પર મુકાયાની અરજી મળી છે : ડીઈઓ

મહેસાણા, તા.30

ગુજરાત રાજ્યમાં લોકરક્ષક દળ, ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના પેપર ફુટી જવાની ઘટના છાસવારે બનતી રહી છે. જેનાથી અરજદારો અને પરીક્ષાર્થીઓની ઊંઘ હરામ થઈ છે. દરમિયાનમાં આજે મહેસાણા જિલ્લાના વિસનગરના એક શખસે આજ ગુરુવારે લેવાનાર  ધોરણ ૯ ના ગણિત વિષયની એકમ કસોટીની પરીક્ષાનું પેપર એક દિવસ અગાઉ યુ ટયૂબ ઉપર મુકાયું હોવાની અરજી મળી છે અને તે અરજી સરકારના શિક્ષણ વિભાગને મોકલી આપવામાં આવી છે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતુ.

મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને વિસનગરના અલ્કેશ પટેલ નામની વ્યક્તિએ અરજી આપીને રજૂઆત કરી હતી કે, આજ  તા.૩૦/૧૨/૨૦૨૧ના રોજ લેવાનાર ધોરણ ૯ ના વિષય ગણિતનું પેપર યુ ટયૂબ ઉપર ગત તા. ૨૯/૧૨/૨૦૨૧ ના રોજ મુકવામાં આવ્યું હતુ. જે અંગે જિલ્લા શિક્ષણાધિકારી એ.કે.મોઢનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતુ કે, વિસનગરના અલ્કેશ પટેલ નામની વ્યક્તિની અરજી મળી છે. જેનાથી સ્પષ્ટ થતુ નથી કે પેપર મહેસાણા જિલ્લામાંથી કે અન્ય જિલ્લામાંથી  કોઈ શખસ દ્વારા યુ ટયૂબ ઉપર મુકવામાં આવ્યું છે. એ તપાસનો વિષય છે. વિસનગરના અરજદારની અરજીને આગળની કાર્યવાહી કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરને મોકલી આપવામાં આવી છે. ધોરણ ૯ ના એકમ કસોટીના ગણિતના પેપરને તેની પરીક્ષા દિવસ અગાઉ યુ ટયૂબ પર મુકાયાની વાત વહેતી થતાં શિક્ષણ આલમ અને વાલીગણમાં ખળભળાટ મચી ગયો હતો. જેના પગલે વાલીઓએ અને મીડિયાએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ફોનની ઘંટડીઓ રણકાવ્યા કરી હતી.