Get The App

વડોદરામાં ગંદા પાણીના મુદ્દે રહીશોનો અનોખો વિરોધ : ભાજપ નેતા અને કમળના ચિન્હને જલાભિષેક, હોબાળો મચાવ્યો

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં ગંદા પાણીના મુદ્દે રહીશોનો અનોખો વિરોધ : ભાજપ નેતા અને કમળના ચિન્હને જલાભિષેક, હોબાળો મચાવ્યો 1 - image

Vadodara Dirty Water : વડોદરા શહેરના પશ્ચિમ ઉત્તર વિભાગમાં આવેલા ગોરવા વિસ્તારની કેટલીક સોસાયટીઓમાં પીવાના દૂષિત અને દુર્ગંધવાળા પાણી છેલ્લા કેટલાય વખતથી આવે છે આવા ગંદા પાણી પીવા મજબૂર બનેલા સ્થાનિક લોકોએ કંટાળીને પાલિકા તંત્ર સામે ભારે વિરોધ કરી, પ્લે કાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને ખુરશી પર મુકેલા નેતાના ફોટા સહિત ભાજપના કમળ નિશાનને જળાભિષેક કર્યો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ ઉત્તર વિસ્તારમાં ગોરવાની કેટલીક સોસાયટીઓમાં છેલ્લા કેટલાય વખતથી દુર્ગંધવાળા ગંદા પાણી પીવા માટે સ્થાનિક લોકો મજબૂર બન્યા હતા. આવા ગંદા અને દૂષિત પાણીથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પરિણામે જુદી જુદી સોસાયટીઓના કેટલાય સ્થાનિક લોકોએ પૂર્વ કોર્પોરેટર વીરેન રામીની આગેવાનીમાં ચાર રસ્તે એકત્ર થઈને હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પ્લે કાર્ડમાં 'ચોખ્ખું પાણી નહીં તો વોટ નહીં'ના સૂત્રો લખવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ તંત્ર વિરુદ્ધ હાય હાય પોકારી વિસ્તાર ગજાવ્યો હતો. આ ઉપરાંત ભાજપના નેતાનો ફોટો અને ભાજપના ચૂંટણી ચિન્હના કમળનો ફોટો વિવિધ ખુરશીઓમાં મૂકીને બંને ફોટાને પાણીથી જળાભિષેક કરીને અનોખો વિરોધ કર્યો હતો.