Get The App

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઇનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ: કમિટીએ CMને ફાઇનલ રિપોર્ટ સોંપ્યો, 4 જુદા જુદા બિલ લાવવાની તૈયારી 1 - image

Gujarat Uniform Civil Code: ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) અમલમાં લાવવાની દિશામાં રાજ્ય સરકાર હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. UCCના ડ્રાફ્ટ અને ભલામણો તૈયાર કરવા માટે રચાયેલી ખાસ કમિટીએ પોતાનો વિસ્તૃત અને અંતિમ રિપોર્ટ આજે (17મી માર્ચ) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કર્યો છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં કમિટીના સભ્યોએ રિપોર્ટ રજૂ કરતાં હવે કાયદો બનવાની પ્રક્રિયા તેજ બની છે.

એક વર્ષના ગહન અભ્યાસ બાદ રિપોર્ટ તૈયાર

રાજ્ય સરકાર દ્વારા આ કમિટીની રચના ચોથી ફેબ્રુઆરી, 2025ના રોજ કરવામાં આવી હતી. આ કમિટીએ છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ધર્મ, જ્ઞાતિના અગ્રણીઓ, કાયદાકીય નિષ્ણાતો અને સામાન્ય જનતાના અભિપ્રાયો મેળવ્યા હતા. ત્યારે 17મી માર્ચે કામકાજ સલાહકાર કમિટીની બેઠકમાં આ અંગે ચર્ચા થશે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે. 

આ પણ વાંચો: 'શિવાલિક' બાદ 'નંદા દેવી' જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત

શું છે યુનિફોર્મ સિવિલ કોડ?

યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે. યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી  નહીં. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહીં. 


જો UCC લાગુ થશે તો શું થશે?

UCC અંતર્ગત દરેક સમુદાય કે ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક, સંપતિ જેવી બાબતોમાં બધા માટે એક જ કાયદો લાગુ થશે. ઉદાહરણ તરીકે જે કાયદો હિંદુ ધર્મ માટે હશે તે જ કાયદો અન્ય ધર્મ માટે પણ હશે. તેમજ છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન નહીં કરી શકાય. શરીયત મુજબ મિલકતના ભાગ નહીં પડે. UCCના અમલીકરણથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં કોઈ જ બાબત નહિ બદલાય. આ ઉપરાંત લોકોના ખાનપાન, પૂજા, ડ્રેસિંગ વગેરે પર કોઈ અસર   નહીં. 

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય

યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લગ્ન-નિકાહ, છૂટાછેડા-તલાક, સંપત્તિ, પુત્રીઓના અધિકારો, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી સહિતના પારિવારિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને નિયમો તમામ ધર્મના લોકોને એક સમાન રીતે લાગુ રહેશે, એટલે કે ઉત્તરાખંડમાં હવેથી હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી વગેરેના જે ધર્મ આધારીત પર્સનલ લૉ હતા તેનો અમલ રદ કરવામાં આવશે અને એક સમાન કાયદો બધા માટે લાગુ કરી દેવામાં આવ્યો છે. લગ્નની નોંધણીથી લઈને છૂટાછેડા કે તલાક વગેરેની પ્રક્રિયા તમામ ધર્મના લોકો માટે એક સમાન રહેશે. લગ્ન કે નિકાહની લઘુતમ વય મર્યાદા પણ દરેક માટે એક સરખી રહેશે. ઉત્તરાખંડના આદિવાસીઓને બાદ કરીને તમામ નાગરિકોને આ યુસીસી લાગુ રહેશે. યુસીસી લાગુ કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં એસડીએમ રજિસ્ટ્રાર અને ગ્રામ પંચાયત વિકાસ અધિકારી સબ રજિસ્ટ્રાર રહેશે, નગર પંચાયતો અને નગર પાલિકાઓમાં સંબંધિત એસડીએમ રજિસ્ટ્રાર અને કાર્યકારી અધિકારી સબ રજિસ્ટ્રાર રહેશે. ટોચના સ્તરે રજિસ્ટ્રાર જનરલ હશે જે સચિવ સ્તરના અધિકારી કે ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન રહેશે.