સોમનાથ દર્શને જતી વેળાએ કાળભેટી ગયો
વેરાવળના યુવાનનું ઘટના સ્થળે અને મોરબી રહેતા માસીયાઇ ભાઇએ જૂનાગઢની હોસ્પિટલમાં દમ તોડયો, એક સારવાર હેઠળ
વેરાવળમાં રહેતા અક્ષર અરવિંદભાઇ ગઢિયા (ઉ.વ.૧૮) પોતાના માસિયાઇ ભાઇઓ દેવ અશોકભાઇ વિઠલપરા (ઉ.વ.૧૮, રહે. મોરબી) અને આર્યન વસંતભાઇ બરાસરા (ઉ.વ.૧૮) સાથે એક્ટિવા પર સોમનાથ મહાદેવના દર્શન કરવા જઇ રહ્યા હતા. આ દરમિયાન સાંજના સમયે તાલાલા ચોકડી બ્રિજ નજીક એક્ટિવા અને મિનિ ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અક્ષર ગઢિયાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે દેવ વિઠલપરા અને આર્યન બરાસરા ગંભીર રીતે ઘવાયા હતા. બંનેને ૧૦૮ મારફતે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મોરબીમાં રહેતા દેવનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ઘવાયેલા આર્યન સારવાર હેઠળ છે. બનાવને પગલે પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.


