ઇકો ફ્રેન્ડલી લોબી ક્લિનિંગ મશીનના પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય સકુરા કાર્યક્રમમાં સ્થાન મળ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સમિતિની પ્રા.શાળા નં.૫૫ના વિદ્યાર્થી સ્મિતની અદકેરી સિદ્ધિ
જાપાનમાં યોજાનાર કાર્યક્રમમાં તાઇવાન, ઇન્ડોનેશીયા અને ભારતના વિદ્યાર્થી ભાગ લેશે, દેશમાંથી ૫૧ પ્રોજેક્ટની પસંદગી
ભાવનગર - મનોબળ મક્કમ હોય તો ટાંચી સુવિધા વચ્ચે પણ પોતાની આવડતથી કપરા શિખરો પણ સર કરી શકાય છે જે વાતને સરકારી પ્રા.શાળાના વિદ્યાર્થીએ સિદ્ધ કરી બતાવી છે. સ્થાનિક, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઇન્સ્પાયર એવોર્ડ પ્રદર્શનમાં લોબી ક્લિનિંગ મશીનના પ્રોજેક્ટનો શ્રેષ્ઠ દેખાવ કરી આંતરરાષ્ટ્રીય કક્ષાના સકુરા કાર્યક્રમ માટે ભાવનગરના સ્મિત સુનિલભાઇ મકવાણાની પસંદગી થઇ છે અને તેઓ આજે જાપાન જવા રવાના થયા છે.
સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્સ્પાયર એવોર્ડ માનાક સ્કીમ અંતર્ગત શાળા કક્ષાએથી પ્રોજેક્ટનું ઓનલાઇન સબમીશન કરવાનું હોય છે જેમાંથી પ્રથમ સમગ્ર ગુજરાતમાંથી પ્રોજેક્ટ પસંદ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪માં ઘણા પ્રોજેક્ટ પસંદ થયા તેમાંથી ભાવનગર ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નં.૫૫નો પણ એક પ્રોજેક્ટ પસંદ થયેલ. ત્યારબાદ જૂન ૨૦૨૪માં આ પ્રોજેક્ટની નેશનલ કક્ષાએ પસંદ થયેલ. જેમાં ગુજરાતમાંથી નેશનલ કક્ષાએ પસંદ થનાર પ્રોજેક્ટ બાબતે ગાંધીનગરમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાં બે દિવસનો વર્કશોપ વિદ્યાર્થી અને માર્ગદર્શક શિક્ષક સાથે યોજવામાં આવ્યો. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૨૪માં આ તમામ પ્રોજેક્ટનું નેશનલ કક્ષાનું ભારત મંડપમ દિલ્હી ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાંથી ૫૧ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય કક્ષા માટે પસંદ કરવામાં આવ્યા જેમાં ગુજરાતમાંથી ચાર પ્રોજેક્ટ પસંદ થયા તેમાંથી ભાવનગર જિલ્લામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નં.૫૫ ફુલસરના વિદ્યાર્થી મકવાણા સ્મિતે માર્ગદર્શક શિક્ષક ભરતભાઇ ગોહિલ સાથે રહી લોબી ક્લિનિંગ મશીનનો પ્રોજેક્ટ હતો. જાપાન ખાતે યોજાનાર સકુરા ૨૦૨૬ કાર્યક્રમમાં ચાર દેશો તાઇવાન ઇન્ડોનેશિયા જાપાન અને ભારતના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આઇડિયા શેરિંગ અને જાપાનીઝ કલ્ચર અને તકનીકીનો અભ્યાસ છે જેની તારીખ ૨૮ જૂનથી ૪ જુલાઇ છે. જે અંતર્ગત આજરોજ ભારતના તમામ ૫૧ વિદ્યાર્થીઓ દિલ્હીથી ફ્લાઇટમાં ટોક્યો જવા રવાના થયેલ છે.
પ્રોજેક્ટ પસંદ થવાના કારણો
સાવરણા કે સાવરણીની તુલનામાં ખુબ ઓછા શ્રમ વડે સરળતાથી અને ઝડપથી સફાઇ થઇ શકે છે.
સફાઇ કરવામાં વિદ્યાર્થીઓને વાંકુ વળવું પડતું નથી તેથી મોં અને નાકમાં ધૂળના રજકણો જતા નથી.
આ કૃતિમાં કોઇપણ પ્રકારના ઇંધણ કે વિદ્યુતઉર્જાની જરૃર પડતી નથી, તેથી અમારી કૃતિ ઇકો ફ્રેન્ડલી છે.
આકૃતિ દ્વારા લોબીની સફાઇ, પ્રાર્થના ખંડની સફાઇ, સી.સી. રોડની સફાઇ, બ્લોકની સફાઇ, ફુટપાથની સફાઇ સરળતાથી અને ઝડપથી કરી શકાય છે.









