Gujarat

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર

By GS TEAM
16 Apr 20262 mins read
કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર

વડોદરા : નંદેસરી વિસ્તારમાં આવેલા રઢીયાપુરા ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૃનું મોટું નેટવર્ક ઝડપી પાડયું હતું. આ કેસમાં લાંબા સમય સુધી ફરાર રહ્યાં બાદ ગુડગાંવથી પકડાયેલા આરોપી સુનીલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી અને પલ્કેશ ઉર્ફે પલ્લી કિશનચંદ ધામેચાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારીએ બન્ને આરોપીના દસ દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે બંને આરોપીઓના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

બનાવની વિગત એવી છે કે, તા. ૨૬ માર્ચ ૨૦૨૬ના રોજ રઢીયાપુરા ગામે મોટી ટ્રકમાંથી નાની ગાડીઓમાં વિદેશી દારૃનો જથ્થો ભરાઈ રહ્યો હતો તે સમયે એસએમસીએ દરોડો પાડી વિદેશી દારૃની ૧૬,૬૬૯ બોટલ, ૮ વાહનો, મોબાઈલ અને રોકડ મળી કુલ રૃા.૧,૪૦,૪૭,૦૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતુ કે, આ જથ્થો સેલવાસના ગઢવી નામના શખ્સ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરી તપાસ અધિકારીએ રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી કે, આરોપી  સુનીલ ઉર્ફે અદો સામે અગાઉ પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગુના નોંધાયેલા છે.

બંને આરોપીઓ લાલુ સિંધીના સિન્ડિકેટ સાથે જોડાયેલા છે અને લાંબા સમયથી દારૃની હેરાફેરીના ગેરકાયદે વ્યવસાયમાં સંડોવાયેલા છે.તપાસ અધિકારી ગુનાની ઉંડાણ પૂર્વકની તપાસ માટે આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો, કોલ ડિટેલ્સ અને દારૃના વેચાણમાંથી મેળવેલી બેનામી મિલકતો અંગે ઊંડી તપાસ કરવાની હોવાની રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં કયા કયા સ્થળોએ આ જથ્થો સપ્લાય કરવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સામેલ છે તેની તપાસ કરવાની હોઇ રિમાન્ડની માંગણી કરી હતી.

મુખ્ય સૂત્રધાર લાલુ સિંધી સામે લુકઆઉટ નોટિસની કાર્યવાહી

દારૃના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હાલ પોલીસ પકડથી દૂર છે. રિમાન્ડ અરજી મુજબ, લાલુ સિંધી સેલવાસથી દારૃનો જથ્થો મંગાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. તે રીઢો ગુનેગાર હોવાથી અને અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાથી, તે કાયદાના શિકંજામાંથી બચવા માટે વિદેશ ફરાર થઈ જાય તેવી પ્રબળ શક્યતા છે. આથી, સ્ટેટ મોનિટરિંગ સેલે તેને પકડવા માટે તપાસ તેજ કરી છે અને તેની સામે લુકઆઉટ નોટિસ માટેની પણ કાર્યવાહી શરુ કરવામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.