વડોદરા, તા.20 વાઘોડિયામાં જવેલર્સને રાત્રે ઘેરીને જીવલેણ હુમલો કરી દાગીના તેમજ રોકડની લૂંટ કરી ફરાર થઇ ગયેલી એમપીની ટોળકીના બે સાગરીતોને જિલ્લા પોલીસે ઝડપી પાડી અન્યની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ વાઘોડિયાના પરંતુ હાલ વડોદરામાં વાઘોડિયારોડ ખાતે દર્શનમ ઉપવનમાં રહેતા જિગ્નેશ દિનેશચન્દ્ર પોલી (શાહ) વાઘોડિયામાં લાઇબ્રેરી ચાર રસ્તા પાસે ડી.સી. જવેલર્સ નામની પોતાની દુકાનમાંથી ગયા મંગળવારે ચાર લાખ કિંમતના ૪૦ ગ્રામ સોનાના દાગીના તેમજ રોકડ રૃા.૫૦ હજાર એક પાકિટમાં મૂકી નારાયણનગરમાં ઘેર મૂકવા જતા હતા ત્યારે સોસાયટીના નાકે બે બાઇક પર આવેલા છ લૂંટારૃઓએ તેમને રોકી માથામાં લાકડાની ઝાપટ મારી હાથમાંથી દાગીના અને રોકડ મૂકેલું પાકિટ લૂંટી ભાગી ગયા હતાં.
આ અંગે વાઘોડિયા પોલીસે લૂંટની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા લૂંટ બાદ તેઓ ભાગવા જતા હતા ત્યારે એપીએમસી માર્કેટ પાછળ પડી જતા લૂંટારૃઓ મધ્યપ્રદેશ પાસિંગની એક બાઇક ત્યાં જ મૂકીને ભાગી ગયા હોવાનું જણાતા પોલીસે બાઇક કબજે કરી હતી જે બાઇક ધાર જિલ્લામાં રેલવે સ્ટેશન પરથી ચોરી થઇ હોવાનું જાણવા મળતા એમપીની ગેંગ હોવાની આશંકા સાથે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પોલીસે રમેશ બીજીયા પરમાર (રહે.પીપેલીયા, કલ્યાણપુર, તા.જી. જામ્બુવા અને રમેશ રેગજી તાહેડ (રહે.આંતરવેલીયા, કલ્યાણપુર, તા.જી. જામ્બુવા)ને ઝડપી પાડયા છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે છ આરોપી પૈકી એક શખ્સ અગાઉ તેમની પત્નીની સારવાર માટે ગોરજ ખાતેની હોસ્પિટલમાં આવતો હતો ત્યારે તેણે વાઘોડિયામાં રેકી કરી સાથીદારોેને જાણ કરી હતી. તપાસમાં એવી વિગત બહાર આવી છે કે બાઇક છોડીને ભાગેલા ત્રણ લૂંટારૃઓ બાદમાં છકડામાં બેસી ફરાર થઇ ગયા હતાં.


