ભટાર કેનાલ રોડ પર રૂ.18 લાખની લૂંટમાં ડિસ્ટ્રીબ્યુટરના મેનેજર સહિત બે ઝડપાયા

- સાત વર્ષના પુત્રથી ભૂલથી ઓનલાઈન ગેમની લીંકમાં રકમ કપાઈ જતા વ્યાજે લીધેલા રૂ.8 લાખ દુષ્યંત પાઠકે ચૂકવવા હતા
- મેનેજરે નજીકમાં રહેતા ઈંડાની લારી ચલાવતા મિત્ર સાથે મળી લૂંટ કરી હતી જયારે શાકભાજીની લારી ચલાવતા મિત્રની બાઈક લૂંટ માટે લીધી હતી
સુરત, : સુરતના ભટાર કેનાલ રોડ પર બે દિવસ અગાઉ ધોળે દિવસે એરટેલ કંપનીના ડીસ્ટ્રીબ્યુટરના હાથમાંથી રોકડા રૂ.18 લાખની લૂંટની ઘટનાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ખટોદરા પોલીસની મદદથી ઉકેલી ડિસ્ટ્રીબ્યુટરના મેનેજર અને તેના મિત્રની ધરપકડ કરી છે. સાત વર્ષના પુત્રની ભૂલથી ઓનલાઈન ગેમ્સમાં લીંક ક્લીક થતા કપાયેલી રકમ ભરપાઈ કરવા વ્યાજે લીધેલા રૂ.8 લાખ ચૂકવવા લૂંટ કરાઈ હતી.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેસુ વિસ્તારમાં રહેતા એરટેલના ડીસ્ટ્રીબ્યુટર નૈનેષભાઈ સાદડીવાલા મંગળવારે બપોરે અઢી વાગ્યે રોકડા રૂ.18 લાખ બેંકમાં જમા કરાવવા જતા હતા ત્યારે કેનાલ રોડ યુનિક હોસ્પિટલ પાસે બાઈકસવાર બે લૂંટારુ ખભે લટકાવેલી રોકડ ભરેલી બેગ આંચકી ભાગી ગયા હતા.નૈનેષભાઈ રોડ પર પટકાતા ઇજા થઈ હતી.ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચે ખટોદરા પોલીસની મદદથી લૂંટની ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નૈનેષભાઈની ઓફિસમાં જ મેનેજર તરીકે બેસતા દુષ્યંત રજનીકાંતભાઈ પાઠક ( ઉ.વ.34, રહે.26/બી, રૂપાલી કો ઓપરેટીવ સોસાયટી, ઉમાભવન રોડ, ભટાર, સુરત. મુળ રહે. વેણેવર સોસાયટી, પ્રભાસ પાટણ, તા.વેરાવળ, જી.ગીરસોમનાથ ) અને ઈંડાની લારી ચલાવતા તેના મિત્ર નરેન્દ્ર ઉર્ફે વિપુલ રમેશભાઇ યાદવ ( ઉ.વ.26, રહે. પ્લોટ નં.18, જનતા નગર, કાપડીયા હેલ્થ ક્લબની પાછળ, ખટોદરા, સુરત. મુળ રહે. ભાડલા, તા. જસદણ, જી.રાજકોટ ) ને ઝડપી પાડી તેમની પાસેથી બાઈક ( નં.જીજે-05-આરબી-8896 ), રોકડા રૂ.6,57,400 અને બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
દુષ્યંતે જણાવ્યું હતું કે તેનો સાત વર્ષનો પુત્ર મોબાઈલ ફોનમાં ઓનલાઇન ગેઇમ રમતો હતો ત્યારે ભૂલથી લીંક ક્લીક થઈ જતા તેના પૈસા ઉડી ગયા હતા. તે રકમ ભરપાઈ કરવા માટે દુષ્યંતે ચક્રવૃદ્ધિ વ્યાજની ચાર-પાંચ પ્રાઇવેટ લોન લીધી હતી. તે રકમ વધીને રૂ.8 લાખ થતા તે ભરપાઈ કરવા માટે પૈસાની જરૂર હોય તેની નજર ઓફિસમાંથી રોજ બપોરે લાખો રૂપિયાની રોકડ લઈ બેંકમાં ભરવા જતા નૈનેષભાઈ પર પડી હતી. તે સમયે જ લૂંટની યોજના બનાવી મિત્ર નરેન્દ્રને સામેલ કરી નજીકમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા વિપુલ જાદવને પૈસા આપી તેની બાઈક મેળવી લૂંટ કરી હતી.
લૂંટની કરતા પહેલા તેમણે ત્રણ થી ચાર દિવસ રેકી પણ કરી હતી.લૂંટ કર્યા બાદ નવસારી બોરીયાચ ટોલનાકા પાસે જઈને બેગમાં જે રૂપિયા હતા તેમાંથી થોડી રકમ દુષ્યંતે પોતાની પાસે વધુ રાખી બાકીની રકમ નરેન્દ્રને આપી હતી. જયારે વિપુલને રૂ.80 હજાર આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે વિપુલની શોધખોળ હાથ ધરી છે.

મેનેજર દુષ્યંત પાઠકે જેને લૂંટ્યો તેને લૂંટની રકમમાંથી જ ઉછીના લીધેલા રૂ.90 હજાર પરત કર્યા
સુરત, : દુષ્યંતે જયારે વ્યાજે પૈસા લીધા હતા તે સમયે નૈનેષભાઈ પાસેથી પણ રૂ.90 હજાર ઉછીના લીધા હતા. જોકે, બાદમાં તેમને જ નિશાન બનાવી લૂંટ કર્યા બાદ બીજા દિવસે તેણે રૂ.90 હજાર નૈનેષભાઈને ટ્રાન્સફર કરી દીધા હતા. લૂંટની રકમમાંથી દુષ્યંતે રૂ.56 હજાર પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જયારે રૂ.35,483 મંગળસૂત્ર ગીરવે મૂક્યું હતું તે છોડાવવા માટે ચૂકવ્યા હતા. રૂ.16 હજારથી તેણે મુથુટ ફાયનાન્સ ગોલ્ડ લોન ચૂકવી હતી. જયારે રૂ.45 હજાર પોતાની મમ્મીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી રૂ.40 હજાર એક મિત્રને ઉછીના આપ્યા હતા. લૂંટમાં તેણે જે મિત્ર પાસે બાઈક લીધી હતી તેને રૂ.60 હજાર આપવાનો હતો.પણ બાઇકના માલિક વિપુલને દેવું ચૂકતે કરવા રૂ.80 હજારની જરૂર હોય તેને રૂ.80 હજાર આપ્યા હતા.




