Gujarat
સેવાલિયાની નવી ચેકપોસ્ટ ઉપરથી 6.53 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
By GS TEAM
27 Oct 20251 min read

- મહારાજના મુવાડામાં દિવાળીના ચેકિંગ વખતે
- રાજસ્થાનના શખ્સની અટકાયત : દારૂ, ટ્રક સહિત રૂા. 16.63 લાખનો મુદ્દામાલ જપ્ત
સેવાલિયા : સેવાલિયામાં નવી ચેક પોસ્ટ ઉપર રૂા. ૬.૫૩ લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે સાજસ્થાનનો શખ્સ ઝડપાયો હતો. પોલીસે રૂા. ૧૬.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
સેવાલિયાના મહારાજના મુવાડાની નવી ચેકપોસ્ટ ઉપર દિવાળીના પર્વ નિમિત્તે પોલીસનું ચેકિંગ શરૂ હતું. ત્યારે ગોધરા તરફથી આવતી ટ્રકને રોકી તપાસ કરતા અંદર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. રૂા. ૬,૫૨,૯૪૯ના દારૂની વિવિધ બ્રાન્ડની ૧,૪૧૭ બોટલોનો જથ્થો, આઈસર ટ્રક મળીને કુલ રૂા. ૧૬.૬૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂ સાથે ઝડપાયેલા ટ્રક ચાલક હનુમાન રામ ગુમના રામ સીયાગ રહે. સિયાગપુરા- લીલસર, તા. ચૌટન, જિ. બાડમેરની અટકાયત કરી હતી. જ્યારે ડુગરા રામ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. સેવાલિયા પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.








