Get The App

શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશથી વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો 1 - image

Liquor Smuggling Chhota Udepur: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવા નુસખા અપનાવતા હોય છે. આવો જ એક કિસ્સો છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના જબુગામ પાસે સામે આવ્યો છે, જ્યાં મધ્ય પ્રદેશથી વડોદરા તરફ જતી એક ટ્રકમાંથી શાકભાજીની આડમાં છુપાવેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે મેરીયા બ્રિજ પર વોચ

મળતી માહિતી અનુસાર, બોડેલી પોલીસને સચોટ બાતમી મળી હતી કે મધ્ય પ્રદેશથી છોટા ઉદેપુર થઈને એક ટ્રક વિદેશી દારૂનો જથ્થો લઈને વડોદરા તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે જબુગામ પાસે આવેલા મેરીયા બ્રિજ પર વાહનોની આડશ ઊભી કરી નાકાબંધી કરી હતી. બાતમી મુજબની ટ્રક આવતા જ પોલીસે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: પંચમહાલ: કડાણા ડેમના વિસ્થાપિતોની જમીન ખાલી કરાવવા તંત્રની કાર્યવાહી, બામરોલીમાં 50 દબાણકારોને નોટિસ

હિમાચલ પ્રદેશના બે શખસોની ધરપકડ

પોલીસે જ્યારે ટ્રકની તાળપતરી હટાવી ત્યારે ઉપરના ભાગે પત્તા કોબી ભરેલી જોવા મળી હતી. શરૂઆતમાં શાકભાજીની ટ્રક લાગતી હતી, પરંતુ પોલીસે જ્યારે કોબીજના પત્તા હટાવ્યા તો નીચે બોક્સમાં ગોઠવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો જોઈ ટ્રકને તાત્કાલિક પોલીસ સ્ટેશન ખસેડી હતી. આ મામલે પોલીસે ટ્રકચાલક જયદેવ પારશરામ અને છોટુરામ બાબુરામની ધરપકડ કરી છે, જે મૂળ હિમાચલ પ્રદેશના વતની હોવાનું બહાર આવ્યું છે:

42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસ સ્ટેશનમાં લાવીને ટ્રકમાંથી દારૂનો જથ્થો ગણતા કુલ 17,13,960 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, ટ્રક અને શાકભાજી મળીને કુલ 42,80,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોડેલી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.