Gujarat

કપડવંજમાં હાઈવે પર ગેરકાયદે લારીઓના દબાણથી હાલાકી

By GS TEAM
15 Dec 20251 min read
કપડવંજમાં હાઈવે પર ગેરકાયદે લારીઓના દબાણથી હાલાકી

- તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા હોવાનો આક્ષેપ

- ગત વર્ષે લારીઓવાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવા છતાં પણ પરિસ્થિતિ જેમની તેમ 

કપડવંજ : કપડવંજ બસ સ્ટેશન સામે કુબેરજી ચોકડીથી ટાઉન હોલ સુધીના રોડ નજીક લારીઓનો ખડકલો તેમજ લારીઓ આગળ ખરીદી માટે આવેલા ગ્રાહકો ટુ વ્હીલર, રિક્ષા, ફોર વ્હીલર ઉભી રાખતા અડધા રોડ સુધી દબાણ થતાં રાહદારીઓ, સિનિયર સિટીઝન, વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

કપડવંજમાં હાઈવે નજીક ઊભી રહેતી ગેરકાયદેસર લારીઓ અને ખરીદી કરતા વાહન ચાલકોને કારણે રોડ સાંકડો થઈ જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર માત્ર પાંચ-દસ દિવસ દબાણો દૂર કરવાની કામગીરી કરીને નાટકો કરી રહ્યાં હોવાનો આક્ષેપ નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ કાયમી ધોરણે રોડ નજીક ઊભી રહેતી લારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી અન્ય સ્થળે ખસેડવામાં કામગીરી કરવામાં આવતી નથી. ગત વર્ષે લારીઓવાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરેલી હોવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવા આવી રહ્યો નથી. જેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.