Get The App

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી 1 - image

- પંચાયત વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય 

- રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓને ધ્યાને રાખીને બંને જિલ્લાના વહીવટી માળખામાં ફેરફાર કરાયો

નડિયાદ : રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓને ધ્યાને રાખીને વહીવટી તંત્રને સુસજ્જ કરવાના ભાગરૂપે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મોટાપાયે બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. આ પ્રક્રિયા અંતર્ગત આણંદ અને ખેડા જિલ્લામાં ફરજ બજાવતા અનેક અધિકારીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે, જ્યારે ખાલી પડેલી જગ્યાઓ પર બઢતી અને બદલીથી નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ સ્થાને કાર્યરત અધિકારીઓની બદલી થતા હવે વહીવટી તંત્રમાં નવી ગતિશીલતા જોવા મળશે તેવું મનાય છે.

આણંદ જિલ્લાની વિગતો જોતા તારાપુરના તાલુકા વિકાસ અધિકારી ભરતકુમાર વેલજીભાઈ પટેલની બદલી કરવામાં આવી છે. બીજી તરફ અન્ય જિલ્લાઓમાંથી આણંદમાં નવા અધિકારીઓનો ઉમેરો થયો છે, જેમાં પ્રદીપસિંહ જશવંતસિંહ ચૌહાણને જોડિયાથી બદલી કરીને આણંદ તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ખંભાતના તાલુકા વિકાસ અધિકારી જયદિપસિંહ ઝાલાની આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં અન્ય જગ્યાઓએ પણ નવા ચહેરાઓ જોવા મળશે જેમાં કઠલાલથી હર્ષદકુમાર રાઠોડની ખંભાત ખાતે બદલી કરાઈ છે. ખેડા જિલ્લામાં પણ વહીવટી ફેરફારનો દોર જોવા મળ્યો છે, જેમાં નડિયાદના તાલુકા વિકાસ અધિકારી સંજયકુમાર મહેન્દ્રકુમાર શાહની બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ હવે પંચમહાલથી હરેશકુમાર ચૌહાણને નડિયાદ ખાતે મૂકવામાં આવ્યા છે. ખેડા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ફેરફાર થયા છે, જેમાં માતર ખાતે મયુરસિંહ વાળાની અને વસો ખાતે સુભાષસિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે. આ સાથે ગલતેશ્વરમાં સફરાજભાઈ વહોરા અને કપડવંજમાં જીતેન્દ્રભાઈ પઢિયારને તાલુકા વિકાસ અધિકારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.