Gujarat

કોરોનાના દર્દી સાથે ટ્રેનની મુસાફરી કરનારા 12 પ્રવાસીઓને શોધી કઢાયા

By GS Team
20 Mar 20201 min read
This article was originally published on 20 Mar 2020
કોરોનાના દર્દી સાથે ટ્રેનની મુસાફરી કરનારા 12 પ્રવાસીઓને શોધી કઢાયા

જામનગર, તા.20 માર્ચ 2020, શુક્રવાર

મુંબઈ થી જામનગર આવતી ટ્રેન માં રાજકોટના કોરોના વાયરસથી સંક્રમિત દર્દીએ મુસાફરી કરી હતી. તે ટ્રેનના ડબ્બામાં કુલ ૭૧ મુસાફરો હતા જે પૈકી જામનગરના પણ ૧૨ જેટલા પ્રવાસીઓએ ઉપરોક્ત ડબ્બામાં મુસાફરી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મોટાભાગના પ્રવાસીઓનો સંપર્ક કરી લેવામાં આવ્યો હતો. અને તેઓની ચકાસણી કરાઈ હતી. જોકે તમામ ભયમુકત હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં રાજકોટના પ્રવાસીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેણે ટ્રેનમાં મુસાફરી કરી હોવાથી જે ડબ્બામાં મુસાફરી કરી હતી. તે ડબ્બાના મુસાફરોને શોધવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી હતી. 

ગત સાતમી તારીખે તેણે ટ્રેનમાં મુસાફરી કરી હોવાથી તે દિવસે જામનગર આવનારા ૧૨ મુસાફરો ના નામ ની યાદી તૈયાર કરી તેઓને શોધવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને આજ સવાર સુધીમાં મોટાભાગના પ્રવાસીઓને શોધી લેવામાં આવ્યા છે. ઉપરાંત તેઓનું થર્મલ સ્કેનિંગ પણ કરી લેવામાં આવ્યું હતું. જો કે એક પણ મુસાફરને કોઈ તકલીફ નહીં હોવાનું ધ્યાનમાં આવતાં વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે.