કાલાવડ તાલુકાના નાના વડાળા ગામ પાસે બાઇકની આડે ગાય ઉતરતાં બાઈકચાલક નું ફંગોળાઈ જવાથી કરૂણ મૃત્યુ

- પુત્રીને અભ્યાસ માટે બાઈક પર મુકવા આવી રહેલા રોજીયા ગામના પ્રૌઢનું હેમરેજ થઈ ગયા પછી સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ
જામનગર તા ૧૫,
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામ પાસે એક બાઈક ની આડે ગાય ઉતરતાં બાઈકના ચાલક ધ્રોલ તાલુકાના રોજીયા ગામના પ્રૌઢ ને ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. પોતાની પુત્રીને અભ્યાસ માટે કાલાવડ તરફ મૂકવા આવતી વખતે આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. જ્યારે તેની પુત્રી નો બચાવ થયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના રોઝીયા ગામ માં રહેતા અને વાણંદ કામ કરતા દિનેશભાઈ તુલસીભાઈ ઝાલા નામના ૫૦ વર્ષના પ્રૌઢ તા ૨૧.૧૧.૨૧ ના દિવસે પોતાની પુત્રી રુચિતા કે જે નવમા ધોરણમાં ભણે છે અને કાલાવડ તાલુકાના ના વડાળા ગામે મામાને ઘેર રહીને અભ્યાસ કરે છે. જેને પોતાના બાઈક પર બેસાડીને અભ્યાસ માટે મૂકવા જઈ રહ્યા હતા, જે દરમિયાન નાના વડાળા પાસે માર્ગમાં એક ગાય આડી ઉતરતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
જેઓ નું બાઈક સ્લીપ થઈ ગયા પછી દિનેશભાઈને માથા માં હેમરેજ સહિતની ગંભીર ઇજાઓ થતાં તેઓને સૌપ્રથમ રાજકોટની હોસ્પિટલમાં અને ત્યાર પછી અમદાવાદની સિવિલ હોસ્પિટલ મા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજયું હતું.
આ અકસ્માતમાં તેમની પુત્રી રૂચિતા (૧૪) ને માત્ર સામાન્ય ઇજા થઇ હતી, અને તેણીનો બચાવ થયો હતો. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા જીગ્નેશ હંસરાજભાઈ ઝાલાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે અકસ્માતના બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.




