Gujarat

વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ

By GS TEAM
18 Oct 20252 mins read
વડોદરા અને આસપાસના હાઇવે પર ટ્રાફિકની સમસ્યા માથાનાે દુખાવો બનીઃ શહેરમાં મોડીરાત સુધી ચક્કાજામ

વડોદરાઃ દિવાળીના તહેવારો દરમિયાન વડોદરા શહેર અને આસપાસના હાઇવે પર ઠેકઠેકાણે ચક્કાજામની સ્થિતિ સર્જાઇ છે.જેને કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓ પરેશાન થઇ ગયા છે.

વડોદરા-કરજણ વચ્ચે લાંબા સમયથી ૧૦ થી ૧૫ કિમી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે.આ રોડ પર હવે કરજણથી વડોદરા આવતાં બામણગામ થી પોર વચ્ચે રોજ ટ્રાફિક જામ થઇ રહ્યો છે.

આવી જ રીતે વડોદરા પાસે દુમાડ અને અન્ય હાઇવે પર પણ ટ્રાફિક જામને કારણે લાંબા સમય સુધી વાહનચાલકો સલવાઇ રહ્યા છે.

તો બીજીતરફ વડોદરા શહેરમાં પણ દિવાળીની ખરીદીને કારણે ઠેરઠેર ટ્રાફિક જામ થઇ રહ્યો છે.સૌથી વધુ વ્યસ્તિ અકોટા બ્રિજ અને અટલ બ્રિજ પર પણ ટ્રાફિક જામ થઇ રહ્યો હોવાથી લોકોને હાલાકી પડી રહી છે.

ટ્રાફિક બ્રિગેડ અને  પોલીસ જોવા મળતી નથી

વડોદરા શહેરમાં ચાર દરવાજા,તેની આસપાસ તેમજ બ્રિજો પર ટ્રાફિક જામ થઇ રહ્યો છે.પરંતુ આવા વખતે ટ્રાફિક બ્રિગેડના જવાનો કે પોલીસ નજરે પડતા નથી.જેને કારણે લાંબા સમય સુધી વાહનચાલકોને અટવાઇ રહેવું પડે છે.

દેણા બ્રિજ પાસે ટેન્કર ચાલક કારને 50 મીટર ઢસડી જતાં પરિવારનો બચાવ

આજવા-વાઘોડિયા રોડ પર શ્રી સિધ્ધેશ્વર હેરિટેઝમાં રહેતા ટ્રાન્સપોર્ટર ભરત કુમાર ગોરસેરાએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સવારે હું મારી કારમાં પત્ની અને પુત્ર સાથે વતનમાં જતો હતો ત્યારે દેણા પાસે ટ્રાફિક જામમાં અટવાયા હતા.

થોડીવાર બાદ ટ્રાફિક ઓછો થતાં પાછળથી ધસી આવેલી ટેન્કરે મારી કાર સાથે એક્સિડન્ટ કર્યો હતો અને કારને ૫૦ મીટર દૂર ઢસડી હતી.ત્યારબાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો.જેથી મેં પાછળ આવતા મારા મિત્ર કેયૂરની સાથે ત્રણેક કિમી સુધી ટેન્કરનો પીછો કરી છાણી બ્રિજ પાસે ડ્રાઇવર પુષ્પસિંગ અક્ષયસિંગ બડવા(દયાલપુર, ડીંદવાણા,રાજસ્થાન)ને પકડી પોલીસને જાણ કરી હતી.આ બનાવમાં કારને નુકસાન થયું હતું પરંતુ પરિવારનો બચાવ થયો હતો.