Gujarat

માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા

By GS TEAM
5 Jan 20261 min read
માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા

 વડોદરા,માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે ૧૨ મીટરના રોડ પર  અવરોધરૃપ દબાણોના કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા થાય છે. આ અંગે આવારનવાર રજૂઆતો કરવા છતાંય કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.

માંજલપુર દીપ ચેમ્બર્સ પાસે રાધાક્રિષ્ણા એપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન દ્વારા કોર્પોરેશન અને પોલીસ ખાતામાં અરજી આપી જણાવવામાં આવ્યું છે કે, આ એપાર્ટમેન્ટમાં ઘણી દુકાનો  છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની જગ્યા છે. એક દુકાનદારે  પરવાનગી વિના પાર્કિંગનો ભાગ કવર કરી  દીધો છે. ૧૨ મીટરના  રસ્તા પર  આ  દબાણો નડતરરૃપ બને છે. એપાર્ટમેન્ટમાં આવતા લોકોને પાર્કિંગમાં અગવડ થાય છે તેમજ રોડ પર  ટ્રાફિકની સમસ્યા થાય છે. આ અંગે  એસોસિએશન દ્વારા ત્રણ વખત કોર્પોરેશન કચેરી, એક વખત માંજલપુર પોલીસ સ્ટેશન અને એક વખત પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ, તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.