Gujarat

જામનગરના વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો કરાશે દંડ

By GS Team
16 Apr 20202 mins read
This article was originally published on 16 Apr 2020
જામનગરના વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવે તો કરાશે દંડ
જામનગર, તા. 16 એપ્રીલ 2020, ગુરુવાર

જામનગર શહેરમાં લોક ડાઉન-2ની અમલવારી શરૂ થઈ ગઈ છે ત્યારે અનાજ કરિયાણા અને રાસન ની દુકાન તેમજ અન્ય આવશ્યક ચીજ વસ્તુ ના વિક્રેતાઓ કે જે પોતાની દુકાને અથવા તો લારીઓમાં લોકોની ભીડ એકત્ર કરે છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી તેવા વેપારીઓ સામે જામનગર મહાનગર પાલિકાના તંત્રએ લાલ આંખ કરી છે.લોક ડાઉન-2ના સમયગાળા દરમિયાન ગઈકાલે પ્રથમ દિવસે 22 વેપારીઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સતીશ પટેલ અને ડેપ્યુટી કમિશનર શ્રી એ.કે વસ્તાણીની રાહબરી હેઠળ જામનગર શહેરના જૂના સેટ અપ મુજબ વોર્ડ પ્રમાણે 32 એસ.એસ.આઈ.ની નિમણૂક કરવામાં આવી છે અને જામનગર શહેરમાં લોક ડાઉન-2 દરમિયાન સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન જે દુકાનદારો અથવા તો શાકભાજી ની રેકડીના વિક્રેતાઓ પોતાના ધંધાના સ્થળે લોકોની ભીડ એકત્ર કરે છે અને લોક ડાઉનલોડ નો ભંગ કરી રહ્યા છે તેવા વિક્રેતાઓને કડક ચેતવણી આપી છે અને જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી છે.

જામનગર શહેરમાં ગઈકાલથી લોક ડાઉન-2ની અમલવારી શરૂ થઈ છે ત્યારે જુદા જુદા વિક્રેતાઓને ત્યાં એક મીટરનું અંતર જાળવીને જ લોકો ખરીદવા માટે આવે તેવી વ્યવસ્થા ગોઠવવા જાણ કરવામાં આવી છે. અન્યથા જો કોઈ વેપારીઓ પોતાના ધંધાના સ્થળે ભીડ એકઠી કરશે તો તેની સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની અમલવારી ગઇકાલથી જ શરૂ કરી દેવામાં આવી છે.

32 એસ એસ આઈની ટીમ હેઠળ ગઈકાલે 22 વેપારીઓ દંડાયા હતા અને તેઓ પાસેથી 200 રૂપિયા લેખે રૂપિયા 4400નો દંડ વસૂલ કરી લેવામાં આવ્યો છે. ઉપરાંત આજે સવારે પણ તમામ વોર્ડ મા સવારે છ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. લોક ડાઉનનો ભંગ કરનાર વેપારીઓ તેમજ ભીડ મા એકત્ર થનાર લોકો પાસેથી પણ 200 રૂપિયાના દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરાશે.

આ પ્રક્રિયા લોક ડાઉન-2ના સમયગાળા દરમિયાન પ્રતિદિન હાથ ધરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર સતિષ પટેલ દ્વારા જણાવાયું છે. જેથી લોકોએ ખરીદી કરવા માટે જરૂરી સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.