Gujarat

દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં વીજ વિતરણની માલિકી હવે ટોરેન્ટ પાસે

By GS Team
16 Mar 20222 mins read
This article was originally published on 16 Mar 2022
દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં વીજ વિતરણની માલિકી હવે ટોરેન્ટ પાસે

તા.16 માર્ચ, બુધવાર 

ગુજરાતના ટોચના શહેરો બાદ હવે કારોબારનો વ્યાપ વધારવા માટે ટોરેન્ટ પાવર હવે ગુજરાતના પાડોશી રાજ્યો તરફ મીટ માંડી રહી છે. ટોરેન્ટ પાવરે તાજેતરમાં જ બનેલ દીવ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન માટેના સ્પેશયલ પર્પસ વ્હિકલ(SPV) કંપનીમાં હિસ્સેદારી ખરીદી છે.

ટોરેન્ટ પાવરે બુધવારે જાહેરાત કરી હતી કે દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી પાવર ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશનમાં 51% હિસ્સેદારી હસ્તગર કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ અખબાર યાદીમાં જણાવ્યું કે ટોરેન્ટ પાવરે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (હોલ્ડિંગ એન્ટિટી) અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશનની એસપીવીની 51% ઇક્વિટી શેર મૂડીની ખરીદી માટે વહીવટકર્તા સાથે શેર ખરીદ કરાર અને શેરધારકો કરાર કર્યો છે.

આ સાથે કંપની પાસે હવે 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના 12 શહેરોની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં વીજળી વિતરણનું લાઇસન્સ મેળવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં ખાનગી કંપની થકી વિજળી વિતરણ માટે અલગ એસપીવીની રચના હજી ગત સપ્તાહે જ કરવામાં આવી છે. 8મી માર્ચ, 2022ના રોજ આ સાહસની રચના કરવામાં આવી હતી અને આજે ટોરેન્ટે એસપીવીમાં 51% હિસ્સો રૂ. 51,000માં હસ્તગત કર્યો છે.

વધુ મજાની વાત એ છે કે દીવ અને દમણ તથા દાદરા નગર હવેલી પાવર ડિસ્ટ્રીબ્યુશન કોર્પોરેશને હજી કારોબાર શરૂ કર્યો જ નથી એટલેકે આ કંપનીનું ટર્નઓવર કઈં છે જ નહિ અને ટોરેન્ટે તેને 51,000 રૂપિયામાં ખરીદી લીધી છે અને આગામી સમયમાં તેની આવક વાર્ષિક 4500 કરોડ રહેવાની ધારણા છે.

ટોરેન્ટે જણાવ્યું કે દીવ અને દમણ તથા દાદરા નગર હવેલીમાં 1.5 લાખ ગ્રાહકોને 9 અબજ યુનિટ પ્રતિ વર્ષ સપ્લાય કરવાની યોજના છે.