Gujarat

અમદાવાદ જિલ્લાના ગામોમાં આજે લોકશાહીનું પર્વ, મતદારોમાં ઉત્સાહ

By GS Team
18 Dec 20212 mins read
This article was originally published on 18 Dec 2021
અમદાવાદ જિલ્લાના ગામોમાં આજે લોકશાહીનું પર્વ, મતદારોમાં ઉત્સાહ

અમદાવાદ,તા.18 ડિસેમ્બર 2021,શનિવાર

અમદાવાદ જિલ્લામાં આજે ૩૬૨ ગામોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે. સરપંચપદ અને વોર્ડ સભ્યના ઉમેદવારોના ભાવિ ૭.૫૨ લાખ જેટલા મતદારો નક્કી કરશે. ગ્રામપંચાયતની આ ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે. ગામની જ વાત હોવાની અને ગામના વિકાસનો મૃદ્દો હોવાથી મતદાનની ટકાવારી ઉંચી જવાની પુરેપુરી સંભાવના છે. મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થશે જે સાંજના ૬ વાગ્યા સુધી ચાલશે. મતદાન વધારવા અને મતદારોને પોતાની તરફેણમાં મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે.

ગામના સરપંચ બનવું એ મોભાદાર પદ છે. આ પદ માટેની આજની ચૂંટણી અતિમહત્વની છે. સમજાવટ, એકમત અને રાજકિય કાવાદાવા વચ્ચે કુલ ૩૩ ગામો સંપૂર્ણ સમરસ જાહેર થયા છે. જ્યાં ચૂંટણી નહીં યોજાય. બાકીના ૩૬૨ ગામોમાં આજે મતદાન થશે તેમાંય ૩૫૧ ગામોમાં  સરપંચપદ માટે ચૂંટણી યોજાશે બાકીના ગામોમાં સરપંચ બિનહરિફ જાહેર થયા છે. પરંતુ ત્યાં વોર્ડસભ્ય માટે ચૂંટણી યોજાશે.

જિલ્લામાં આજે યોજાનારી ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ ૧,૧૭૯ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે વોર્ડ સભ્યપદ માટે કુલ ૧,૬૭૦ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા છે. જિલ્લામાં કુલ ૫૧ ગામોમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે. જ્યાં સર્વાનુંમતે સરપંચને ગ્રામજનોએ વગર ચૂંટણીએ ચૂંટી કાઢ્યા છે. જ્યારે ૧,૭૦૧ વોર્ડ સભ્યો પણ બિનહરીફ જાહેર થયા છે. 

ગામની ચૂંટણીમાં ઉમેદવારોએ ભરપુર પ્રચાર કર્યો છે. એડીચોટીનું જોર લગાવી દીધું છે, છેલ્લી ઘડી સુધી ડોર-ટુ-ડોર પ્રચાર કર્યો છે. હવે આજે રવિવારે જોવાનું રહ્યું કે મતદારો કોને તેમના ઉમેદવાર તરીકે ચૂંટી કાઢે છે. આ વખતે મતદારો પણ વધુ પરિપક્વ બન્યા છે, મોભા માટે ચૂંટણી લડતા અને સાચે જ ગામના વિકાસ માટે ચૂંટણી લડતા હોય તેવા ઉમેદવારોમાં તફાવત કરતા મતદારો થઇ ગયા છે.

રોડ, રસ્તા, પાણી, ગટર, સરકારી યોજનાના લાભો સહિતના પ્રાથમિક સુવિધાને લગતા કામોમાં જ ગ્રામજનોને રસ છે. ચવાણું, દારૂ કે ચૂંટણી ચાલે ત્યાં સુધી નાસ્તા-પાણી અને થોડા પૈસાની લાલચમાં આ વખતે મતદારો હવે આવે તેવો માહોલ જોવા મળતો નથી. પ્રમાણિક, નિષ્ઠાવાન, ગામના વિકાસ માટે લડતા ઉમેદવારના હાથમા ંજ ગ્રામજનો સત્તા સોપશે તેવું ચિત્ર સર્વત્ર જોવા મળી રહ્યું છે.

અમદાવાદ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીનો ચિતાર

- ૩૬૨ ગામોમાં ચૂંટણી યોજાશે

- ૧,૧૭૯ સરપંચ પદના ઉમેદવાર 

- ૩,૯૬૦ વોર્ડ સભ્યપદના ઉમેદવાર

- ૮૬૬ મતદાન મથકો 

- ૩૭૧ સંવેદનશીલ બુથ

- ૯૭ અતિસંવેદનશીલ બુથ

- ૩૯૮ સામાન્ય મતદાન મથક

- ૧,૨૧૭ મતપેટી ઉપયોગમાં લેવાશે

- ૭,૫૨,૭૨૦ કુલ મતદારો

- ૩,૬૧,૧૨૪ સ્ત્રી મતદારો

- ૫,૦૨૭ પોલિંગ સ્ટાફ

- ૨,૭૨૫ પોલીસ સ્ટાફ