Gujarat

ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં, અમદાવાદની યુવતીએ નોંધાવી ફરિયાદ

By GS Team
25 Feb 20222 mins read
This article was originally published on 25 Feb 2022
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં, અમદાવાદની યુવતીએ નોંધાવી ફરિયાદ

- અગાઉ સુરતની પુણા પોલીસે બે વર્ષ પહેલા હત્યાના પ્રયત્ન મામલે કીર્તિ પટેલની ધરપકડ કરી હતી

અમદાવાદ, તા. 25 ફેબ્રુઆરી, 2022

સતત વિવાદોમાં રહેલી સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે. અમદાવાદની યુવતીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કીર્તિ પટેલે તેના સાથે મારામારી કરી હતી અને લોખંડના પાઈપ વડે માથા અને ડાબા પગના ઢીંચણના ભાગે ફટકા માર્યા હતા. 

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી કોમલ પંચાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે કે, 21 ફેબ્રુઆરીના રોજ તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી, ત્યારે કોઈએ લાઈવમાં કોમેન્ટ કરી હતી કે, તમારી ગાડીના કાચ તૂટ્યા છે. કોમલે નીચે આવીને પાર્કિંગમાં જોયું તો ગાડીના કાચ તૂટેલા હતા. ત્યારબાદ કોમલ પોતાની મિત્ર પર્લ જોશીની ગાડી લઈને કર્ણાવતી ક્લબ પાસે ટી સ્ટોલ પર ગઈ હતી. ત્યારે કીર્તિ પટેલ બે લોકો સાથે ત્યાં પહોંચી ગઈ હતી અને ગાડીનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો. કાચ તૂટવાનો અવાજ સાંભળીને કોમલ ત્યાં જોવા ગઈ ત્યારે કોઈકે તેના માથા અને બરડાના ભાગમાં ફટકા માર્યા હતા અને તેણે પાછળ વળીને જોયું તો કીર્તિ પટેલ હાથમાં લોખંડના પાઈપ સાથે ઉભી હતી. આ ઉપરાંત કીર્તિની સાથે રહેલા યુવાને કોમલને તું અમારા ગ્રુપની સામે પડી છે, અમે તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આશરે 6 મહિના પહેલા પણ ઘરેબેઠાં બ્યુટી પાર્લરનું કામકાજ કરતી કોમલ પોતાના મિત્રો સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી ત્યારે કીર્તિ પટેલે લાઈવમાં કોમલના માતાને અપશબ્દો કહ્યા હતા અને એ વાતને લઈ ઝગડો થયો હતો. કોમલે તે વખતે શાહીબાગ સાઈબર ક્રાઈમમાં કીર્તિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. તેના ટિકટોક વીડિયો પણ ખૂબ વિવાદિત હોય છે. થોડા સમય પહેલા તેનો પ્રતિબંધિત પક્ષી ઘુવડ સાથેનો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જ્યારે વનવિભાગ પાસે પહોંચ્યો ત્યારે વનવિભાગે કીર્તિ પટેલ પાસેથી 25 હજારનો દંડ પણ વસૂલ કર્યો હતો. આ ઉપરાંત સુરતની પુણા પોલીસે બે વર્ષ પહેલા હત્યાના પ્રયત્ન મામલે કીર્તિ પટેલની ધરપકડ કરી હતી. 

આ ઉપરાંત કીર્તિ પટેલે લેડી ડોન ભૂરી સાથે પણ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં તેણે તેમની ભાઈબંદી લાજપોર જેલની હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.