Get The App

ગુજરાતના આ વિસ્તારમાં 'ટાઈગર'ના પગલાં જોવા મળ્યા, વન વિભાગે આપી માહિતી

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના આ વિસ્તારમાં 'ટાઈગર'ના પગલાં જોવા મળ્યા, વન વિભાગે આપી માહિતી 1 - image


Tiger in Chhota Udepur Forest : ગુજરાતમાં વાઘની હાજરી લુપ્ત થયાના લાંબા સમય બાદ દાહોદના રતનમહાલ અભ્યારણ્ય બાદ હવે છોટા ઉદેપુરના જંગલ વિસ્તારમાં વાઘના પગલા પડ્યા હોવાનું વન વિભાગે જણાવ્યું છે. છોટા ઉદેપુરના જંગલ વિસ્તારમાં વાઘની એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે વન વિભાગે માહિતી આપી હતી કે, રતનમહાલ અને છોટા ઉદેપુર જંગલ વિસ્તાર નજીકમાં આવેલો હોવાથી છોટા ઉદેપુરમાં જોવા મળેલો વાઘ એ રતનમહાલમાં દેખાયેલો વાઘ હોઈ શકે છે. સમગ્ર મામલે છોટા ઉદેપુર વન વિભાગ દ્વારા મોનીટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

છોટા ઉદેપુરમાં વાઘની એન્ટ્રી

છોટા ઉદેપુરના ફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, 'જિલ્લાના જંગલ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વનકર્મીઓને વાઘના પગના સ્પષ્ટ નિશાન દેખાયા છે. છોટા ઉદેપુર જંગલ વિસ્તાર રતનમહાલ અભ્યારણ્ય વિસ્તારની નજીકમાં આવેલો છે, એટલે એ શક્યતા નકારી ન શકાય કે વાઘ અહીં પણ ન ફરે.' 

વધુમાં તેમણે કહ્યું કે, 'આમ રતનમહાલ અને છોટા ઉદેપુર નજીકનો વિસ્તારો હોવાથી અહીં પણ વાઘની હાજરી સંભવ છે. વાઘ જ્યારથી રતનમહાલમાં જોવા મળ્યો છે, ત્યારથી છોટા ઉદેપુર જંગલ વિસ્તારમાં પણ તેના આટાફેરા હોય શકે છે. આ વિસ્તારમાં વાઘ જોવા મળતાં વનકર્મી દ્વારા મોનીટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ સ્થાનિકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.'

આ પણ વાંચો: ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના રતનમહાલના જંગલમાં કેમેરામાં કેદ થયો ટાઇગર

રતનમહાલ અભ્યારણ્યના જંગલમાં વાઘ જોવા મળ્યો

દાહોદ જિલ્લામાં આવેલા રતનમહાલ અભ્યારણ્યના જંગલમાં એક નર વાઘ કેમેરામાં કેદ થતાં તેના પુનરાગમનના સત્તાવાર પુરાવા મળ્યા હતા. રતનમહાલના જંગલમાં લગાવેલા ટ્રેકર કેમેરામાં આ વાઘ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. વીડિયોમાં આ નર વાઘ અભ્યારણ્યમાં બનાવવામાં આવેલા 'બાથ ટબ'માં આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.