Gujarat

બનાસ નદી બ્રિજ પર ત્રણથી ચાર કિ.મી. ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા

By GS Team
18 Feb 20222 mins read
This article was originally published on 18 Feb 2022
બનાસ નદી બ્રિજ પર ત્રણથી ચાર કિ.મી. ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા

ડીસા, તા.17

ડીસા બનાસ નદી પર ૭૦ વર્ષ જૂના બ્રિજ પર તિરાડ પડવાથી તેના સમારકામ કરવા માટે બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે વાહનોને ડાયવર્ઝન આપી નવા બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં બટાટા નીકાળવાની શરૃઆત થઈ ગઈ છે તેને લઈ આ બ્રીજ પર ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે. તો બીજી તરફ અન્ય નદીમાંથી પસાર થતા રસ્તા પર પણ ટ્રાફિકની સમસ્યા વકરી છે.

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા શહેરમાંથી પસાર થતી બનાસ નદી પર બે બ્રિજ બનાવેલ છે. તેમાંથી એક બ્રિજ ૭૦ વર્ષ જૂનો હોવાથી બ્રિજ પર તિરાડો પડવાથી બ્રીજનું સમારકામ કરવા માટે હાઇવે ઓથોરિટી દ્વારા આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. અને તેના પરથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન આપી અન્ય બીજા નવા બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. હાલમાં ડીસામાં મોટા પ્રમાણમાં ઉત્પાદન થયેલ બટાટા લઈ ખેડૂતો માટે બનાસ નદીનો માર્ગ પરથી પસાર થવું પડે છે. આથી  લેખરાજ ચાર રસ્તાથી બનાસ નદીમાંથી પસાર થઈ ઉપર તરફ નીકળતા માર્ગ પર ભારે ટ્રાફિકજામ  થઈ જાય છે. આ ટ્રાફિકજામના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને વાહન ચાલકોને લાંબી કતારમાં ત્રણ થી ચાર કલાક સુધી ઊભા રહેવું પડે છે. જેથી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે, તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરી ફરી ચાલુ કરવામાં આવે જેથી વાહનચાલકોને મુશ્કેલીમાંથી છૂટકારો મળી રહે.