મોબાઈલ શોપના માલિક અને મિત્રને તમંચા બતાવી ત્રણ લૂંટારું રૂ. 30 હજાર લૂંટી ફરાર

- શટર બંધ કરી દુકાનદાર હિસાબ કરતા હતા ત્યારે શટર ઊંચું કરી અંદર આવેલા ત્રણેય રોકડ લૂંટીને ભાગતી વેળા બાઈક સ્લીપ થતા બાઈક મૂકી ભાગી ગયા
( પ્રતિનિધિ દ્વારા ) સુરત, સોમવાર
સુરતના પુણાગામ વિસ્તારમાં શનિવારે મોડીરાત્રે મોબાઈલ શોપના માલિક અને મિત્ર દુકાનનું શટર બંધ કરી હિસાબ કરતા હતા ત્યારે શટર ઊંચું કરી અંદર આવેલા ત્રણ લૂંટારું પાઈપ અને તમંચા બતાવી રૂ.30 હજાર લૂંટી ફરાર થઈ ગયા હતા. જોકે, રોકડ લૂંટીને ભાગતી વેળા તેમની બાઈક સ્લીપ થતા તેઓ બાઈક મૂકી ભાગી જતા પોલીસે બાઈક કબજે કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના ઈટાવાનો વતની અને સુરતમાં પુણાગામ વલ્લભનગર સોસાયટી ઘર નં.113 માં રહેતો 24 વર્ષીય રાહુલ પુરણભાઇ બઘેલ વલ્લભનગર પાસે શિવાજીનગર સોસાયટી દુકાન નં.41 માં જયમાં શિતલા નામની મોબાઈલની દુકાનમાં મોબાઈલ ફોન વેચાણ,રીપેરીંગ, રિચાર્જ ઉપરાંત મની ટ્રાન્સફરનું કામ કરે છે. ગત શનિવારે રાત્રે તેની બાજુમાં રહેતો મિત્ર અજય પટેલ દુકાને આવતા બંને મિત્રો 10 વાગ્યે દુકાનનું શટર પાડી બહારની લાઈટ બંધ કરી હિસાબ કરતા હતા ત્યારે 10.45 કલાકે શટર ખોલી મોઢા પર માસ્ક અને મફલર પહેરેલા 25 થી 30 વર્ષના ત્રણ અજાણ્યા અંદર આવ્યા હતા. તે પૈકી એકના હાથમાં લોખંડનો પાઈપ હતો. જયારે બાકીના બે પાસે તમંચો હતો. એકે પાઈપ બતાવી જયારે બાકીના બંનેએ રાહુલ અને અજય તરફ તમંચા તાકી ધમકી અને ગાળો આપતા કહ્યું હતું કે જીતના પૈસા હૈ ઉતના દે દો.
આથી બંનેએ ગભરાઈને કેશ કાઉન્ટરમાં મુકેલા રૂ.30 હજાર કાઉન્ટર પર મુકતા તે રકમ લૂંટી લઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી કાઉન્ટરના બીજા ડ્રોઅર પણ ખોલી ચેક કર્યા હતા. પણ તેમાં પૈસા નહીં મળતા તેઓ શટર ઊંચું કરી બહાર ભાગ્ય હતા. રાહુલ અને અજય તેમની પાછળ બહાર નીકળતા તેઓ જે બાઈક પર ભાગતા હતા તે સ્લીપ થઈ ગઈ હતી.આથી તેઓ બાઈક ત્યાં જ છોડી ભાગી છૂટયા હતા. બાઈક ( નં.એમએચ-13-બીબી-2997 ) લેવા તેઓ પાછા આવશે તેમ વિચારી રાહુલ અને અજયે તે સમયે પોલીસ ફરિયાદ કરી નહોતી.જોકે, તેઓ નહીં આવતા છેવટે ગતરોજ પુણા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાઈકના નંબર અને દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.




