Get The App

પંચમહાલ: જંગલમાં નીલગાયનો શિકાર કરવા નીકળેલા ત્રણ શિકારીઓ બંદૂક સાથે ઝડપાયા, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દબોચ્યા

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
પંચમહાલ: જંગલમાં નીલગાયનો શિકાર કરવા નીકળેલા ત્રણ શિકારીઓ બંદૂક સાથે ઝડપાયા, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દબોચ્યા 1 - image

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચલાલી ગામના જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે નીલગાયનો શિકાર કરવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ શખસોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસનો પીછો જોઈ ભાગવા જતાં શિકારીઓની કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં સદનસીબે તેમનો બચાવ થયો હતો. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ અને વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન ફાયરિંગનો અવાજ સંભળાયો

પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી શહેરા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી. ચલાલીથી વાઘજીપુર તરફના રોડ પર જંગલ વિસ્તારમાં અચાનક બંદૂકનો અવાજ સંભળાતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી. આ દરમિયાન જંગલમાંથી નીલગાયનું ટોળું ભાગતું દેખાતા પોલીસને શિકાર થયો હોવાની શંકા દ્રઢ બની હતી.

જંગલમાંથી એક કાર રોડ તરફ આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ કાર ચાલકે કાર ભગાડી મૂકી હતી. પોલીસે સતત 15 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે આ કારનો પીછો કર્યો હતો. પીછો કરવા દરમિયાન ગોધરા તાલુકાના બખ્ખરથી ધોળી રોડ પર બોડીદ્રા ગામના વળાંકમાં શિકારીઓની કાર પલટી ખાઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી કારમાં સવાર ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચો: 'શિવાલિક' બાદ 'નંદા દેવી' જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત

મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી

પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી સીરાઝ ખરાદી, વસીમ દોલતી અને અયુબ કમલી પાસેથી એક ડબલ બેરલ બારબોર બંદૂક અને 7 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. હાલ પોલીસે આરોપી પાસેથી અંદાજે 4.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો.

શહેરા પોલીસે ત્રણેય આરોપીઓ સામે આર્મ્સ એક્ટ અને વાઈલ્ડ લાઈફ (પ્રોટેક્શન) એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોસઈ આર.એસ. દેવરે ચલાવી રહ્યા છે. કારની હાલત જોતા અકસ્માત ગંભીર જણાતો હતો, પરંતુ ત્રણેય આરોપીઓનો આબાદ બચાવ થયો છે.