Get The App

દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી

Updated: Apr 21st, 2026

GS TEAM

Google News
Google News
દુમાડ બ્રિજ પાસે મુખ્યમંત્રીના કાફલા પહેલાં પસાર થનાર બાઇક સવારને અટકાવતાં ઝપાઝપી કરી 1 - image

વડોદરાઃ વડોદરાના દુમાડ બ્રિજ પાસે ગઇરાત્રે મુખ્યમંત્રીના કાફલાને કારણે રોકવામાં આવેલા ટ્રાફિકમાંથી પસાર થવા જતા બાઇક સવારને પોલીસે અટકાવતાં તેણે ઝપાઝપી કરી હતી.આ વખતે કારમાંથી ઉતરેલા પત્ની અને પુત્ર પણ ઝઘડામાં સામેલ થયા હતા અને પોલીસને ધમકી આપતાં ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સમા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ અજીતસિંહે પોલીસને કહ્યું છે કે, ગઇરાત્રે મુખ્યમંત્રી આઇવરી લોન્સનો કાર્યક્રમ પતાવી કારેલીબાગ તરફ જવાના હોવાથી રાત્રે ૯.૨૬ વાગે અમને દુમાડ બ્રિજનો ટ્રાફિક રોકવા માટે સૂચના મળી હતી.

મેં વાહન વ્યવહાર અટકાવતાં એક  બાઇક ચાલક જબરદસ્તી ધસી આવ્યો હતો. જેથી તેને અટકાવીને સમજાવતાં તેણે તોછડું વર્તન કર્યું હતું.આ વખતે આગળ ઉભેલી એક વાનમાંથી મહિલા અને ૨૦વર્ષીય યુવક બહાર આવ્યા હતા અને તેમણે બાઇક ચાલકનું ઉપરાણું લઇ ઉધ્ધત વર્તન કર્યું હતું.

પોલીસે કહ્યું છેકે, આ વખતે મારી સાથે ઝપાઝપી કરવામાં આવી હતી.જેથી પીએસઆઇ રાઠોડ આવી જતાં મહિલાએ વીડિયો ઉતારી તમે કેવી નોકરી કરોછો તે હું જોઇ લઇશ..તમને સસ્પેન્ડ કરાવી દઇશ.. તેવી ધમકી આપી હતી.પોલીસે આ બનાવ અંગે બાઇક સવાર કૌશિક બિપીનભાઇ પટેલ,ફાલ્ગુની કૌશિકભાઇ પટેલ અને પ્રેમલ કૌશિકભાઇ પટેલ(ગણેશ પુરા,વાઘોડિયા) સામે ગુનો નોંધ્યો હતો.