Gujarat

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં ત્રણ દિવસ પોલીસની ખાસ ઝુંબેશ

By GS Team
17 Jan 20221 min read
This article was originally published on 17 Jan 2022
સુરેન્દ્રનગર શહેર અને  જિલ્લામાં ત્રણ દિવસ પોલીસની ખાસ ઝુંબેશ

- ધૂમ સ્ટાઇલે બાઇક ચલાવનારાઓને પણ ઝડપી લેવાશે

- માસ્ક વગર ફરનારા અને કારમાં કાળી ફિલ્મ સહિતની ચકાસણી કરવામાં આવશે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેર સહીત જિલ્લાના વિવિધ શહેરોમાં કાળી ફિલ્મ, ઓવરસ્પીડ અને માસ્ક અંગે પોલીસતંત્ર દ્વારા ત્રણ દિવસની ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર-વઢવાણના શહેરી વિસ્તારો ઉપરાંત લખતર, મુળી સહીતના  તાલુકાઓમાં તા ૧૭ થી ૧૯ ત્રણ દિવસની ખાસ ડ્રાઈવનું પોલીસતંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે. આ અંગે ડી.વાય.એસ.પી  એચ. પી. દોશીએ માહીતી આપતા જણાવ્યુ કે, ધુમ સ્ટાઈલે ઓવરસ્પીડ બાઈક લઈને નીકળતા યુવાનો, માસ્ક વગર ફરતા લોકો અને પ્રતિબંધ છતા કારમાં કાળી ફિલ્મ ચડાવનાર વાહનચાલકો સામે ત્રણ દિવસ દરમ્યાન ખાસ ઝુંબેશ યોજી કડક પગલા લેવામાં આવશે.

છેલ્લાં ઘણાં સમયથી સુરેન્દ્રનગર અને જિલ્લામાં ધૂમ સ્ટાઇલે બાઇક ચલાવનારાઓનો રંઝાડ વધ્યો છે. અનેક વાહનચાલકો પ્રતિબંધ હોવા છતાં બેરોકટોકપણે કારમાં કાળી પટ્ટી લગાવીને ફરી રહેલા જોવા મળે છે. 

જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા છતાં અનેક સ્થળે મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર નિકળી રહ્યાં હોવાનું જાણવા મળે છે. સુરેન્દ્રનગર શહેરમાં શાકભાજી માર્કેટ, સ્ટેશન વિસ્તાર સહિતના ભરચક વિસ્તારોમાં અનેક લોકો માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળે છે. આ ત્રણ દિવસની ઝુંબેશમાં શહેર અને જિલ્લાના ભરચક વિસ્તારોમાં માસ્ક પહેર્યા વગર નીકળતા નાગરીકોને ઝડપવામાં આવશે. માસ્ક નહીં પહેરનારા પાસેથી દંડ પણ વસુલ કરાશે.