Gujarat

અલંગમાં ડીમોલેશનના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા

By GS TEAM
16 Dec 20252 mins read
અલંગમાં ડીમોલેશનના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા

- રહેવાની સગવડતા ન થાય ત્યાં સુધી દબાણ હટાવ કાર્યવાહી બંધ રાખવા સૂર

- વાહનો ભરીને લોકો તળાજા પહોંચતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો, ડે.કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરાઈ

તળાજા : અલંગ-મણારમાં સરકારી ખરાબા અને ગૌચર જમીન પર થયેલા દબાણોને હટાવવા માટે ૧૭મીએ થનારી કાર્યવાહીના વિરોધમાં હજારો શ્રમિકો રસ્તા ઉપર ઉતર્યા હતા અને વાહનો ભરીને તળાજા પહોંચી ડે.કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

૧૭મીએ તંત્ર દ્વારા અલંગ-મણારમાં દબાણ હટાવવાની કામગીરી થવાની છે. જેના કારણે મજૂરોના માથેથી છત છીનવાઈ જવાની દહેશતને લઈ અલંગના મહિલા સરપંચના પતિની આગેવાનીમાં રેલી કાઢી આવેદન પાઠવવાનું આયોજન કરાયું હતું. જેને લઈ આજે સોમવારે અલંગ-મણારમાં શ્રમિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને વાહનો ભરીને તળાજા આવ્યા હતા. જ્યાં ડે.કલેક્ટરને આવેદન પાઠવી જ્યાં સુધી શ્રમિકો અને તેમના પરિવારજનો માટે રહેવાની સગવડો ન થાય ત્યાં સુધી ડીમોલેશન કાર્ય બંધ રાખવા, શિપબ્રેકરો દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરવા, જગ્યા ખુલ્લી કરાયા બાદ કેવા પ્રકારનો વિકાસ કરવામાં આવશે ? તેવા સવાલો સાથે રજૂઆત કરી હતી. વસતીમાં થયેલા વધારાને ધ્યાને લઈ સરકારે તાત્કાલિક ગામતળ નિમ કરવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી.

રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાતા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસસ્બોડી વોર્ન કેમેરા સાથેનો ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. વિશાળ જનસંખ્યાને મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં બેસવા, વાહનો પાર્કિંગ, નાસ્તા સહિતની વ્યવસ્થા પણ કરી આગેવાનોને ડે.કલેક્ટર પાસે રજૂઆત-આવેદન આપવા લઈ જવામાં આવ્યા હતા.

17 મીએ દબાણો તો હટશે જ : ડે.કલેક્ટર

એક તરફ દબાણ હટાવ કાર્યવાહી મોકૂફ રાખવાની એકસૂરે ઉઠી છે. તો બીજી તરફ રજૂઆત કરવા આવેલા આગેવાનોને ડે.કલેક્ટર જે.આર. સોલંકીએ ૧૭મીએ દબાણો તો હટશે જે તેવું રોકડું પરખાવી દીધું હતું. ડીમોલેશન માટે ગ્રાઉન્ડ લેવલનો અભ્યાસ અને કામગીરી કરી છે. પરપ્રાંતિય શ્રમિકોને રહેવાની સગવડો આપવા સરકાર કટિબદ્ધ છે. શ્રમિકોની ખોલીઓના ઠેકા કોણ લે છે ? તે પણ જાણ છે જ, શ્રમિકોને ખોટા ઉશ્કેરવા નહીં તેમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કોર્ટના આદેશથી દબાણો હટાવાશે. શિપબ્રેકરોના દબાણોનો મુદ્દો કોર્ટમાં ચાલી રહ્યો છે.