Gujarat

મચ્છીપીઠ-નાગરવાડા જેવા ભરચક વિસ્તારમાં એક જ ઢબે ચોરીનાબનાવો,40 તોલા દાગીનાની ચોરી

By GS Team
20 Jan 20202 mins read
This article was originally published on 20 Jan 2020
મચ્છીપીઠ-નાગરવાડા જેવા ભરચક વિસ્તારમાં એક જ ઢબે ચોરીનાબનાવો,40 તોલા દાગીનાની ચોરી

વડોદરા,તા.20 જાન્યુઆરી,2020,સોમવાર

મચ્છીપીઠ અને નાગરવાડા જેવા ભરચક વિસ્તારોમાં પરિવારજનો હાજર હોય તેવા મકાનોને ટાર્ગેટ કરવાની પધ્ધતિ અપનાવતી ટોળકીએ નવીધરતી વિસ્તારના મકાનમાં ત્રાટકીને રૃા.૧૦ લાખ ઉપરાંતની મત્તાની ઉઠાંતરી કર્યાના બનાવે ઊહાપોહ મચાવ્યો છે.

નાગરવાડા નવીધરતી વિસ્તારમાં ઢાલવાડા ખાતે રહેતા સોનલબેન  જીવણભાઇ જાદવે પોલીસને કહ્યું છે કે,ગઇકાલે તા.૧૯મીએ રાતે અમે પરિવારજનો ઉપરના માળે સૂવા ગયા ત્યારે રાત્રિના સમયે નીચેના દરવાજાનો નકૂચો તોડી ત્રાટકેલા ચોરોએ તિજોરી ફેંદી કાઢી હતી.

ચોરો રૃા.પોણા દસ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડા રૃા.૨૫ હજાર મળી રૃા.૧૦ લાખ ઉપરાંતની મત્તા સમેટી ગયા હતા.સવારે પરિવારજનો જાગ્યા ત્યારે નકૂચો તૂટેલો જોવા મળ્યો હતો અને તિજોરીનો સામાન રફેદફે હતો.કારેલીબાગ પોલીસે બનાવ અંગે ડોગ સ્ક્વોડ અને ફોરન્નિી મદદ લઇ તપાસ હાથ ધરી છે.

તિજોરીમાં જ ચાવી હોવાથી ફાવ્યા, ચોરખાનાના દાગીના બચી ગયા

ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્રાટકેલા ચોરોને તિજોરીની ચાવી ડ્રોઅરમાંથી મળી જતાં તેમનું કામ આસાન બની ગયું હતું.ચોરોએ જેટલા દાગીના હાથમાં આવ્યા તેટલા ઉઠાવી લીધા હતા.પરંતુ લોકરની અંદરના ચોરખાનામાં મુકેલા રૃા.૧ લાખના દાગીના તેમના ધ્યાનમાં નહીં આવતાં બચી ગયા હતા.સોનલબેને પોલીસ ફરિયાદમાં આ દાગીના ચોરાયાનું લખાવ્યા બાદ તેમાં ફેરફાર કરાવ્યો હતો.

જાણભેદુનો હાથ, લાઇટો ચાલુ કરી કામ પાર પાડયું

નવીધરતીના મકાનમાં ગઇરાતે ત્રાટકેલા ચોરો જાણભેદુ હોવાની આશંકા સેવાઇ રહી છે.ચોરોએ દરવાજાનો નકૂચો તોડયા બાદ લાઇટો ચાલુ કરી હતી અને ત્યારબાદ તિજોરીની ચાવી શોધી ચોરી કરી હતી.

બાઇક પર આવેલા ત્રણ યુવકો કેમેરામાં કેદ

નવીધરતીમાં રહેતા સોનલબેનના મકાનમાં ત્રાટકેલા ચોરો એક બાઇક પર આવ્યા હોવાની અને તેઓ ત્રણ સવારી આવ્યા હોવાની વિગતો પોલીસ તપાસી રહી છે.કારેલીબાગના પીઆઇ આરએ જાડેજાએ સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ  હાથ ધરી છે.