અમદાવાદના ભાડજમાં બંધ મકાનનું તાળું તોડીને ચોરી કરનાર રીઢો ચોર ઝડપાયો, જમીનમાં દાટી રાખેલા 10.70 લાખના દાગીના કર્યા રિકવર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News : ભાડજ વિસ્તારમાં એક બંધ મકાનમાંથી 12.95 લાખના સોનાના દાગીનાની ચોરીના કેસમાં સોલા હાઈકોર્ટ પોલીસે 250થી વધુ CCTV ફૂટેજ તપાસીને સુનીલ ઉર્ફે ખાંડિયો નામના રીઢા ગુનેગારને બગોદરા હાઇવે ટોલ પ્લાઝા પાસેથી ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં આ ચોરે ગોતા વિસ્તારમાં કાચા છાપરા નીચે જમીનમાં દાટી રાખેલા સોનાના દાગીના સહિત 10.70 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ શખ્સ સામે અગાઉ જામનગરમાં પણ ચોરીના 2 ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.
મળતી માહિતી મુજબ, ગત 13 સપ્ટેમ્બરે પાંચ વાગ્યાથી બીજા દિવસે સવાર સુધીના સમયમાં ભાડજ ગામમાં વિસતનગર માતાના મંદિર પાસે મોટા રબારી વાસમાં રહેતા ભરતભાઈ માલજીભાઈ દેસાઈ (ઉ.વ. 46ના બંધ મકાનનું તાળું તોડી એક ચોર ઘરમાં ઘૂસ્યો હતો. ચોરે લોખંડની તિજોરીનું લોક તોડી અંદરથી અલગ અલગ 86.39 ગ્રામ વજનના અને 12.95 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે ભરતભાઈ દેસાઈએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં એ પછી પોલીસે અલગ અલગ ટીમો બનાવી રૂટના 250થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બાતમીના આધારે પોલીસે બગોદરા હાઇવે ટોલ પ્લાઝા પાસેથી આરોપીને ઝડપી લીધો હતો.
પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીની ઓળખ સુનીલ ઉર્ફે ખાંડિયો ઉર્ફે ખાન રાજુભાઈ પરમાર (ઉ.વ. 21, મૂળ રહે. જામનગર, હાલ રહે. ગોતા, અમદાવાદ) તરીકે થઈ હતી. તેણે ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે ચોરેલા દાગીના તેણે ગોતા વસંતનગર વિશ્વકર્મા સંકુલ પાસેના જી.એચ.બી. પ્લોટમાં આવેલા કાચા છાપરામાં જમીનમાં દાટીને સંતાડ્યા છે. પોલીસે આરોપીને સાથે રાખી તે જગ્યાએથી સોનાની ચેઇન, લકી અને ત્રણ વીંટીઓ મળી કૂલ 10,70,850નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ જામનગરમાં ચોરીના 2 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.




