Gujarat

મટીરિયલ કમિટીનું વજન વધારાયુ , ઈ-ગવર્નન્સ, લાઈટ વિભાગના કરોડોના કામ કમિટીમાં મુકાશે

By GS TEAM
9 Jan 20261 min read
મટીરિયલ કમિટીનું વજન વધારાયુ , ઈ-ગવર્નન્સ, લાઈટ વિભાગના કરોડોના કામ કમિટીમાં મુકાશે

 અમદાવાદ,શુક્રવાર,9 જાન્યુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેટલીક કમિટીઓ માત્ર નામ પુરતી જ છે. આ પૈકી એક મટિરિયલ મેનેજમેન્ટ કમિટી છે. આ કમિટીનું વજન સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કરી વધારી દીધુ છે.નવી ટર્મથી ઈ-ગવર્નન્સ, ઈલેકટ્રિક એન્ડ મટીરિયલ પ્રોકયોરમેન્ટ કમિટી તરીકે આ કમિટી ઓળખાશે. ઉપરાંત  કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ અને લાઈટ વિભાગના કરોડો રુપિયાના કામ આ કમિટીની મંજૂરી માટે મુકાશે.

કોર્પોરેશન તંત્રની વિચિત્રતા એવી છે કે, હાલમાં મટીરિયલ મેનેજમેન્ટ તરીકે ઓળખાતી  કમિટીમાં મોટાભાગે ગટરના ઢાંકણા કઈ સાઈઝના ખરીદવા અથવા તો સફાઈની કામગીરી માટેના સાધનોની ખરીદી કરવાની મંજૂરીના કામ કમિટીમા મુકાતા હતા.આ કારણથી ઝડપથી આ કમિટીના ચેરમેન કે વાઈસ ચેરમેન રહેવા કોઈ તૈયાર થતુ નહોતુ.ભાજપના વર્તમાન પદાધિકારીઓએ કિમીયો કરી ઈ-ગવર્નન્સ અને લાઈટ વિભાગને આ કમિટી સાથે જોડી દીધા.નવી ટર્મથી આ કમિટીની બેઠક મળશે એ સમયે જે તે વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી સંબંધિત અધિકારીઓને પણ બેઠકમાં હાજર રહેવુ પડશે.પણ મુળ તો હાલની કમિટીનુ નામ બદલવા પાછળ શાસકોનો એક છુપાયેલો ઉદ્દેશ્ય એ જ હતો કે, કરોડો રુપિયાના કામ ઈ-ગવર્નન્સ અને લાઈટ વિભાગના તેમની જાણ બહાર તો મંજૂર થવા ના જોઈએ. લાઈટ વિભાગ રોડ કમિટી સાથે વર્ષોથી સંકળાયેલો હતો.તેને હવે નવી કમિટી સાથે જોડી દેવામા આવ્યો છે.