જામનગર શહેર અને જિલ્લાના હવામાનમાં આજે ફરી એકાએક પલટો આવ્યો: આકાશમાં વાદળોના ગંજ ખડકાયા

- હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહીના પગલે મોસમએ ફરીથી કરવટ બદલી: વહેલી સવારે ઝાકળ વર્ષા ના કારણે ટાઢોડું છવાયું

જામનગર, તા. 05
જામનગર શહેર અને જિલ્લામાં આજે મોસમએ ફરીથી કરવટ બદલી છે, અને હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારોમાં માવઠાની કરાયેલી આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારથી જ આકાશ વાદળો ના ગંજ ખડકાઇ ગયા હતા. ઉપરાંત વહેલી સવારે ભારે ઝાકળ ના વરસાદના કારણે ગાઢ ધુમ્મસ ની ચાદર છવાઇ હતી.
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં બે દિવસ દરમિયાન માવઠું થઈ શકે છે તેવી હવામાન ખાતાની આગાહી પછી આજે વહેલી સવારથી જ તેની અસર જોવા મળી હતી, અને શહેર-જિલ્લામાં સૂર્યદેવતા દેખાયા ન હતા. આકાશમાં વાદળોના ગંજ ખડકાયેલા જોવા મળ્યા છે. સાથોસાથ ભેજનું પ્રમાણ વધી ગયું હોવાથી ધુમ્મસ અને ઝાકળ ભીની સવાર થઈ હતી, જેના કારણે માર્ગો ભીના થયા હતા.
હવામાન ખાતાની આગાહીના પગલે હાપા માર્કેટિંગ યાર્ડ સહિતના જામનગર જિલ્લાના તમામ યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી જુદી જુદી જણશો ને સલામત સ્થળે ખસેડી લેવાઇ હતી, જયારે ખેડૂતોને આ બે દિવસો દરમિયાન પોતાના તૈયાર પાકને સલામત સ્થળે રાખવા અથવા તો માર્કેટિંગ યાર્ડમાં નહીં લઈ આવવા અગાઉથી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 18.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 29.૦ ડીગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણના ભેજનું પ્રમાણ 87 ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે રહી હતી.




