કેનેડા મોકલવાના બહાના હેઠળ વસાઈના પરિવારને કલકત્તામાં 3 માસ ગોંધી રાખ્યો

મહેસાણા,તા.14
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલા વસાઈ ગામના એક
પરિવાર ચાર સભ્યોને કેનેડા મોકલવાનો વિશ્વાસ આપીને કથિત એજન્ટો અને પરિચીતોએ
ગુનાહિત કાવતરૃ રચીને તેઓને કોલકત્તા લઈ જઈ ત્રણ માસ જેટલા સમય સુધી ગોંધી રાખીને તેમની પાસેથી પિસ્તોલ બતાવી બળજબરીપૂર્વક
રૃ.૧૫૭૩૦૦૦૦ની રકમ પડાવી લઈ છેતરપિંડી આચરી હતી.આ ચોંકાવનારી ઘટના અંગે વસાઈ પોલીસ
સ્ટેશનમાં ચાર ગઠીયા સામે નોંધાયેલ ફરીયાદમાં તેમની ચુંગાલમાં એક દંપતી તેમજ બીજા
બે વ્યકિતઓ પણ કેનેડા જવાની લ્હાયમાં ફસાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સાણેદમાં એક ઓફિસમાં પ્રાઈવેટ નોકરી કરતા મુળ વિજાપુર તાલુકાના
વસાઈ ગામના અંબાજીપરાના મિતેશકુમાર રણછોડભાઈ પટેલે કેનેડા જવાની ઈચ્છા હતી.ત્યારે દિવાળીના તહેવાર હોવાથી તેઓ વતન વસાઈ આવ્યા હતા.
અહીં ગામના અમરત કાન્તીલાલ પટેલ તેઓને મળ્યા હતા અને વગર પાસપોર્ટે કેનેડા મોકલી આપ
તેવી લાઈન હાલ અમદાવાદના નવા નરોડામાં રહેતા ગામના રમેશ સોમાભાઈ પટેલ પાસે હોવાનું
જણાવ્યું હતું.ત્યારબાદ,રમેશભાઈ મળતા
પત્ની અને બે સંતાનો સાથે કેનેડા જવાની વાત કરતાં તેમણે પાસપોર્ટ વિના જવું હોય તો
ખર્ચ વધુ થશે તેમ કહ્યું હતું.પછી પરિવારના ચારેય જણાના ડોક્યુમેન્ટ સાથે અમદાવાદ જતા
રમેશ પટેલે કાળીગામની ગોદરેજ સીટીમાં રહેતા સુશીલ રોયનો પરિચય કરાવ્યો હતો.તેણે કાયદેસરના
વિઝાથી ચારેયને કેનેડા મોકલી દેવાની અને ત્યાં પહોંચ્યા બાદ રૃ.૧.૧૧ કરોડ આપવાની વાત
કરી ભરોસો આપ્યો હતો.જેથી નક્કી થયા પ્રમાણે,તા.૧૨-૧૧-૨૦૨૧ના રોજ રાત્રે
અમરતે ફોન કરીને મુંબઈ એરપોર્ટ પહોંચવાનું કહેતા મિતેશ પટેલ પોતાની પત્ની અને બે બાળકોને
લઈને વસાઈથી નીકળ્યા હતા અને મુંબઈમાં રોકાયા હતા.જયાં સુશીલ રોયે આવીને કાગળો કરવાના
બાકી હોવાથી બે દિવસ લાગશે તેવું કહીને દિલ્હી ગયો હતો.તે પછી તેણે ફોન કરીને કહેલ
કે તમારી ફલાઈટ કોલકત્તાથી હોવાથી તેણે એરટીકિટ મોકલતાં વિમાનમાર્ગે તેઓ ત્યાં પહોંચ્યા
હતા.અહીં તેઓને ક્રિસ્ટલ હોટલમાં રાખવામાં આવ્યા હતા અને કેનેડામાં જરૃર પડશે તેમ કહીને
૭૦૦૦ ડોલર મંગાવ્યા હતા.જયારે ત્યાંથી બીજી હોટલમાં લઈ જવાયા હતા. અહીં રાત્રીના સુમારે
આવેલા કમલ સિંઘાનીયા નામના શખસે તામારા પાસપોર્ટ તૈયાર થઈ ગયા છે અને તા.૨૮-૧૧-૨૧ની
ફલાઈટ હોવાનું જણાવેલ તેની સાથે અમદાવાદના મીત પટેલને પણ લાવી અમારી સાથે રાખ્યા હતા.ત્યારબાદ
બીજા દિવસે ગાડીમાં પાંચેયને બેસાડી સાતેક
બોડીગાર્ડ સાથેના એક બંગલામાં લઈ જવાયા હતા અને પરિવારને નીચે બેસાડી મિતેશ અને મિતને
ઉપરના માળે લઈ જઈ કમલે માર મારી પિસ્તોલ બતાવી મારે સુશીલ પાસેથી લેવાના ૭ કરોડ મળશે
પછી જ તમને અહીંથી જવા દેવાશે તેમ જણાવ્યું હતું.જયારે તેમની પત્ની અને બાળકીએ પહેરેલા
રૃ.ત્રણેક લાખના દાગીના બળજબરીથી કાઢી લઈ ફરીયાદી પાસે તેમના ફોઈના દિકરા મહેશભાઈને
ફોન કરાવી અમે કેનેડા પહોંચી ગયા છીએ અને ૧૪ દિવસના કોરોન્ટાઈન કરેલ હોવાની વાત કરાવી
હતી.અ સ્થળે તેઓને ગોંધી રાખી નિયમિત વસાઈ ફોન પર વાત કરાવી જુદાજુદા સમયે ઘરેથી રૃ.૧.૫૭
કરોડ જેટલી રકમ મંગાવી લઈ ઠગાઈ આચરી હતી.ત્યારબાદ આરોપીઓની ચુંગાલમાં ફસાયેલા નવે જણાને
વિમાન માર્ગે દિલ્હી મોકલી દીધા હતા.જયાંથી તેઓ રેલવે દ્વારા પોતાના ઘરે પહોંચી જતાં
આખરે આ અંગે વસાઈ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
પાંચ વર્ષની દિકરીની હત્યા કરવાની ધમકી આપી રૃ.૨૫ લાખ
પડાવ્યા
કોલકત્તામાં વસાઈના પરિવારને ગોંધી રાખ્યા હતા ત્યારે
આરોપીઓએ મિતેશભાઈની પાંચ વર્ષની દિકરી વર્ણિકાને તેમની પાસેથી જુદી પાડીને બીજા
રૃમમાં રાખીને તેની હત્યા કરવાની ધમકી આપી રૃ.૨૫ લાખ માંગ્યા હતા.જેથી તેમણે ઘરે
ફોન કરતાં તેમના ભાઈએ આંગડીયા મારફતે પૈસા મોકલી આપ્યા હતા.
જમીનના સોદામાં પૈસા ફસાતા કેનેડા જવાનું વિચાર્યું
વસાઈના મિતેશ પટેલે પાંચેક મહિના પહેલાં ગોરૈયામાં ૧૧૦ વિધા
જમીન વેચાણ રાખી હતી.જેનો સોદો થતાં કોટેશ્વરના ધર્મેશ પટેલે બાના પેટે તેઓને
રૃ.૩૫ લાખ આપ્યા હતા.આ રકમ તેમણે જમીન માલીકોને ચુકવી દીધી હતી.જેમાં સોદો અટવાતા
મુશ્કેલીમાં મુકાયેલા મિતેશ પટેલે તેમાંથી નીકળવા કેનેડા જવાનું વિચાર્યું હોવાનો
ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે.
મહેસાણા જિલ્લામાં કબુતર બાજીનો ચાલતું રેકેટ
મહેસાણા જિલ્લામા ઘણા સમયથી વિદેશ જવા ઈચ્છુકો સાથે
છેતરપિંડી આચરનાર ટોળકીનું સુયોજિત રેકેટ ચાલી રહ્યું હોવાનું જણાય છે. તાજેતરમાં
જ કબુતરબાજીનો ભોગ બનેલ કલોલ તાલુકના એક પરિવારને જાન ગુમાવવી પડી હોવાનો કિસ્સો
સામે આવ્યો છે.અનેકવાર કબુતરબાજીની ઘટનાઓ બનતી હોવા છતાં પંથકમાં ગેરકાયદેસરરીતે
વિદેશ જવાની ઘેલછામાં લોકો ફસાતા હોય છે.
આ આરોપીઓ સામે ગુનો નોંધાયો
૧. કમલ સિંઘાનીયા રહે,કોલકત્તા
૨. સુશીલ રોય રહે,અમદાવાદ
૩. અમરત કાન્તીલાલ પટેલ રહે,વસાઈ
૪. રમેશ સોમાભાઈ પટેલ રહે,વસાઈ
ગઠીયાઓની ચુંગાલમાં
કોણ ફસાયા હતા
મિતેશકુમાર રણછોડભાઈ પટેલ રહે,વસાઈ,તા.વિજાપુર
(ફરીયાદી)
શીતલબેન પટેલ અને તેમના બે સંતાનો
મીત શૈલેશભાઈ પટેલ રહે,નરોડા,અમદાવાદ
તેજશભાઈ પ્રવિણભાઈ પટેલ રહે,ખરણા
નીશાબેન તેજશભાઈ પટેલ
રશ્મી પટેલ રહે,
કાસવા
હિરલ પટેલ રહે,ધુમાસણ




