Get The App

ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનની ચાલીમાં પાણીનો કકળાટ

દોઢ મહિનાથી ટેન્કર પદ્ધતિથી પાણી વિતરણ, નવી પાણીની લાઈન વહેલી તકે જોડવાની રહીશોની ઉગ્ર માગ

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
ખંડેરાવ માર્કેટ પાછળ હિંમત ભવનની ચાલીમાં પાણીનો કકળાટ 1 - image

શહેરના ખંડેરાવ માર્કેટની પાછળ આવેલી હિંમત ભવનની ચાલીમાં છેલ્લા દોઢ મહિનાથી પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. શહેરના વોર્ડ નંબર ૧૩માં સમાવિષ્ટ આ વિસ્તારમાં હાલ પાણી માટે સંપૂર્ણપણે ટેન્કર પદ્ધતિ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે, જેના કારણે રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

પાણીની સમસ્યાથી કંટાળી આજે વિસ્તારના રહીશો મહોલ્લામાં એકત્ર થયા હતા અને મ્યુનિ. કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન રહીશોએ મ્યુનિ. કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સમસ્યાના ઉકેલની માગ ઉઠાવી હતી.

રહીશોનું કહેવું છે કે, વિસ્તારમાં જૂની પાણીની લાઈનો દૂર કરી નવી લાઈનો નાખવામાં આવી છે, પરંતુ તે હજુ સુધી જોઈન્ટ કરવામાં આવી નથી. પરિણામે છેલ્લા દોઢ મહિનાથી ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. ટેન્કર મારફતે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી તેમજ રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં ભારે મુશ્કેલી પડેછે.

રહીશોએ આક્ષેપ કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વાયદાઓ કરી રહ્યા છે અને નવી પાણીની લાઈન જોડવામાં કોઈ તાકીદ બતાવતા નથી. વહેલી તકે નવી પાણીની લાઈન શરૂ કરવામાં આવે જેથી ટેન્કર પદ્ધતિમાંથી છુટકારો મળી શકે અને પાણીની કાયમી સમસ્યાનો અંત આવે તેવી રહીશોની માગ છે.