Get The App

કોન્ટ્રાકટ મેળવવા એક સરખો ભાવ ભરવામા આવ્યો , ભાજપના ધારાસભ્ય,પૂર્વ કોર્પોરેટરની કંપનીને ૩૦૦ ઈ- બસનો કોન્ટ્રાકટ અપાશે

દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન અને પૂર્વ કોર્પોરેટરની કંપનીઓને પ્રતિ કિ.મી.૯૧.૦૮ રુપિયા ચૂકવવા દરખાસ્ત

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
કોન્ટ્રાકટ મેળવવા એક સરખો ભાવ ભરવામા આવ્યો , ભાજપના ધારાસભ્ય,પૂર્વ કોર્પોરેટરની કંપનીને ૩૦૦ ઈ- બસનો કોન્ટ્રાકટ અપાશે 1 - image

અમદાવાદ,મંગળવાર,31 માર્ચ,2026

બીજી એપ્રિલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ભાજપના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની કંપની આદીનાથ બલ્ક પ્રા.લી. તથા ભાજપના  બે ટર્મ કોર્પોરેટર રહેલા એવા આનંદડાગાની અરહમ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.ને ૩૦૦ ઈલેકટ્રિક બસ સંચાલન માટેનો કોન્ટ્રાકટ આપવાની મંજુરી માંગતી દરખાસ્ત એડમિનિસ્ટ્રેટર સમક્ષ મંજુરી માટે મુકવામા આવી છે. નોંધપાત્ર બાબત એ છે કે, બંનેએ કોન્ટ્રાકટ મેળવવા એકસરખો ભાવ ભર્યા પછી નેગોશિએશન પણ એક સરખા ભાવથી કર્યુ હતુ.બંને કંપનીઓને અનુક્રમે ૧૫૦ ઈલેકટ્રિક બસ પ્રતિ કિલોમીટર રુપિયા ૯૧.૦૮ના ભાવથી ચલાવવા અપાશે.

દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન આદીનાથ બ્લક પ્રા.લી.ના ફાઉન્ડર છે. અરહમ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.ના ફાઉન્ડર કાંકરિયા વોર્ડમાંથી ભાજપના બે ટર્મ માટે કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા આનંદ ડાગા છે.વર્ષ-૨૦૨૧ થી ૨૬ની પુરી થયેલી ટર્મમા તેમના સ્થાને તેમના પત્ની શીતલબેન ડાગા કોર્પોરેટર તરીકે ચૂંટાતા તેમને શાસકપક્ષના દંડક અઢી વર્ષ માટે બનાવવામા આવ્યા હતા. અરહમના ડિરેકટરોમાં ઉમેદ મેઘરાજ જૈન ઉપરાંત મદનલાલ મોહનલાલ ડાગા તથા ઈશાની આનંદકુમાર ડાગા છે.૧૨ મીટરની ૩૦૦ ઈલેકટ્રિક એ.સી. રેગ્યુલર બસ લેવા ટેન્ડર કરવામા આવ્યુ હતુ.કન્સલટન્ટના ઈવેલ્યુએશન રીપોર્ટ મુજબ, પ્રથમ લોએસ્ટ પેકેજ-૧મા મેસર્સ આદીનાથ બલ્ક પ્રા.લી.તથા પેકેજ-૨માં અરહમ ટ્રાન્સપોર્ટેશન પ્રા.લી.દ્વારા પ્રતિ કિલોમીટર રુપિયા ૯૩.૩૩ નો ભાવ ભરવામા આવ્યો હતો.ટ્રાન્સપોર્ટ મેનેજર આર  એલ પાંડેના કહેવા મુજબ, બંને સાથે નેગોશીએશન કરવામા આવતા પ્રતિ કિલોમીટર રુપિયા ૯૧.૦૮ના ભાવથી  બંને કંપનીઓ દ્વારા બસ સંચાલન માટે તૈયારી બતાવાઈ હતી.નોંધપાત્ર બાબત એ છે કે,ગ્રોસ કોસ્ટ  કોન્ટ્રાકટના દર પ્રમાણે ૧૨ મીટરની બસના સંચાલન માટે રુપિયા ૪૩.૪૯નો ભાવ નકકી કરવામા આવ્યો છે. આ ભાવથી પણ બમણા ભાવ આ બે કંપનીઓને ચૂકવવા સ્ટેન્ડિંગ કમિટીમા મંજુરી અપાશે.