Gujarat

ભર ઉનાળે પાણીનો કકળાટ આજથી દસ દિવસ સુધી અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ

By GS TEAM
6 May 20261 min read
ભર ઉનાળે પાણીનો કકળાટ આજથી  દસ દિવસ સુધી અમદાવાદના મોટાભાગના વિસ્તારમાં પાણી કાપ

  અમદાવાદ,બુધવાર,6 મે,2026

ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં આગામી દસ દિવસ સુધી પાણી કાપ સહન કરવો પડશે. નર્મદા કેનાલની લાઈનમા પ્રિ-મોન્સૂનની કામગીરી કરાઈ રહી હતી તે સમયે આર.સી.સી.લાઈનમાં થયેલા નુકસાનના સમારકામની કામગીરી કરવાની હોવાથી કેનાલમા પાણીના લેવલમાં વધઘટ કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો છે કે, બોરવેલ ચલાવીને પાણી પુરુ પાડવામા આવશે.

થોડા સમય પહેલા જ શેઢી કેનાલમા સમારકામની કામગીરી કરવામા આવી તે સમયે પૂર્વ ઝોનના બે વોર્ડ અને દક્ષિણ ઝોનના તમામ વોર્ડમા પાણી કાપ લોકોએ સહન કરવો પડયો હતો.હવે નર્મદા કેનાલની લાઈનમા થયેલા નુકસાનના સમારકામની કામગીરી કરવાની હોવાથી મધ્ય ઉપરાંત પશ્ચિમ ઝોન, ઉત્તર,પૂર્વ તેમજ દક્ષિણ ઝોનના તમામ વોર્ડમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમા પાણીની અછત સર્જાશે.ગરમીના સમયમા પાણીનો મહત્તમ વપરાશ શહેરીજનો દ્વારા કરવામા આવતો હોય છે તેવા સમયે આમ અચાનક આવી પડેલા પાણી કાપ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનનુ તંત્ર કેવી રીતે પહોંચી વળે છે તે જોવાનુ રહેશે.આ પાછળનુ એક કારણ એ પણ છે કે, શહેરમા અનેક વોર્ડના અંતરીયાળ વિસ્તારોમા ઉનાળામા પુરતા પ્રેસરથી પાણી પહોંચતુ નહી હોવાથી કોર્પોરેશન ઝોન વાઈસ પાણીના ટેન્કરો દોડાવી પાણી પુરુ પાડતુ હોય છે.

કયા કયા ઝોનમા પાણી કાપની અસર જોવા મળશે?

મધ્યઝોન,પશ્ચિમ ઝોન,ઉત્તરઝોન,પૂર્વ ઝોન તેમજ દક્ષિણ ઝોન