Gujarat

ખાનગી એમ્બ્યુલન્સવાળાએ સ્મીમેરની દિવાલ પર જાહેરાતના પોસ્ટર લગાડી દીધા

By GS Team
25 Feb 20221 min read
This article was originally published on 25 Feb 2022
ખાનગી એમ્બ્યુલન્સવાળાએ સ્મીમેરની દિવાલ પર જાહેરાતના પોસ્ટર લગાડી દીધા


- નવી સિવિલમાં એકની હત્યા થઇ ચૂકી છે બીજી તરફ

- કેમ્પસ અને અને હોસ્પિટલની અંદર પણ લોકોની આવન-જાવન વધુ હોય એવી જગ્યા પર ધંધાની જાહેરાત !

(પ્રતિનિધિ દ્વારા)      

ખાનગી એમ્બ્યુલન્સવાળાઓએ  પાલિકાની સ્મીમેર હોસ્પિટલ કેમ્પસને અડ્ડો બનાવી દિવાલ પર ધંધા અંગેની જાહેરાત માટે પોસ્ટરો લગાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ખાનગી એમ્બ્યુલન્સ ચલાવતો ૩૦ વર્ષીય ગણેશ સિરસાઠની જુના ઝઘડાની અદાવતમાં એક માસ પહેલા અન્ય એમ્બ્યુલન્સ ચાલક જીતેન્દ્ર કહાર સહિત ચાર જણાએ ચપ્પુ અને ફટકા વડે હુમલો કરી હત્યા કરી હતી. ત્યારબાદમાં સિવિલ કેમ્પસમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા ઓછા નજરે ચઢે છે. પણ હવે કેટલાક પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં પડયા પાથર્યા રહે છે. એટલુ જ નહી, પણ પોતાનો ધંધો વધુ થાય તે માટે પોતાની જાહેરાતના પોસ્ટરો પણ કેમ્પસની દિવાલ પર ચોંટાડે  છે. હવે હોસ્પિટલની અંદર પહેલા, બીજા અને ત્રીજા માળે દર્દી સંબંધીઓ વધુ આવતા જતા હોય ત્યાં અને પાણીની પરબ પાસે પણ પોસ્ટરો લગાવાયા છે. જો આ અંગે સ્મીમેર તંત્ર ગંભીરતા નહી દાખવે તો સિવિલની જેમ સ્મીમેર ખાતે પણ એમ્બ્યુલન્સવાળા વચ્ચે ધંધાની હરીફાઇમાં ઝઘડો થવાની શકયતા નકારી શકાતી નથી.