Gujarat
ચૂંટણીના પરિણામને લઈ ભાવનગર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો
By GS Team
24 Oct 20192 mins read
This article was originally published on 24 Oct 2019

ભાવનગર, તા. 24 ઓક્ટોબર 2019, ગુરૂવાર
વિધાનસભાની ચૂંટણી અને પેટા ચૂંટણીના પરિણામને લઈ ભાવનગરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. ચૂંટણી પરિણામ જાણવા ભાવનગરના રાજકીય અગ્રણી-કાર્યકર ટેલીવીઝન સામે ગોઠવાય ગયા હતા અને ચૂંટણીના પરિણામની ચર્ચા કરતા નજરે પડયા હતાં. ગુજરાતની પેટા ચૂંટણીમાં બંને પક્ષને એક સરખી સીટ મળતા અગ્રણી-કાર્યકરો ગેલમાં જોવા મળ્યા હતાં.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે ગુરૂવારે સવારે વિધાનસભાની સામાન્ય ચૂંટણીની મતગણતરી હતી. આ ઉપરાંત ગુજરાતની 6 બેઠકની પેટા ચૂંટણી અને અન્ય રાજ્યોમાં પણ ઘણી બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી માટે ગત સોમવારે મતદાન યોજાયુ હતું. મતદાન ઓછુ થતા ભાવનગર શહેર અને જિલ્લાના રાજકીય અગ્રણી-કાર્યકરોઓમાં ઘણા દિવસથી ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી હતી.
આજે મતગણતરી હોવાથી સવારથી જ ભાવનગરના રાજકીય અગ્રણી-કાર્યકરો ટેલીવીઝન સામે ગોઠવાય ગયા હતા અને રાજકીય પક્ષના કાર્યાલયે પણ પરિણામ જોવા લોકો એકઠા થયા હતાં. પાનના ગલ્લે, ચાની લારી સહિતના સ્થળે ચૂંટણીના પરિણામની ચર્ચા સાંભળવા મળી હતી. ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો તેથી ભાજપના અગ્રણી-કાર્યકરો ગેલમાં હતા પરંતુ પરિણામ ભાજપની ધારણા કરતા નબળા આવતા ભાજપના અગ્રણી-કાર્યકરો મુંઝવણમાં મુકાય ગયા હતા, જયારે કોંગ્રેસની ધારણા કરતા પરિણામ સારા આવતા કોંગ્રેસ અગ્રણી-કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં ૬ બેઠકની પેટા ચૂંટણી હતી, જેમાં ભાજપનો 3 અને કોંગ્રેસનો 3 બેઠક પર વિજય થતા બંને પક્ષના અગ્રણી-કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી. મહારાષ્ટ્ર-હરિયાણા અને અન્ય રાજ્યની પેટા ચૂંટણીના પરિણામની પણ ઠેર ઠેર ચર્ચા સાંભળવા મળી હતી. ભાવનગરમાં ચૂંટણી ન હતી પરંતુ અન્ય જગ્યાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો હતો. કેટલાક પરિણામ બાદ શરતો જીત્યા હતા તો કેટલાક હારી ગયા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. હાલ મતદારોએ બંને પક્ષની દિવાળી સુધારી દીધી છે અને કોઈને ખાસ નિરાશ નથી કર્યા તેમ કહી શકાય.




