વડોદરા: પોલીસે કોર્પોરેશનની મદદ માગી કહ્યું.. અહીં ખૂબ ઢોરો રખડે છે, તાત્કાલિક સ્ટાફ મોકલો

વડોદરા, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર
વડોદરામાં રખડતા ઢોરોનો ઉપદ્રવ દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા પોલીસની મદદ લઈને કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ આજે પોલીસે સામે ચાલીને કોર્પોરેશન પાસે મદદ માંગી રસ્તે રખડતા નવ ઢોરોને પકડાવ્યા હોવાનો બનાવ બન્યો છે.
કોર્પોરેશન અને પોલીસ વચ્ચે રખડતા ઢોરોનો ઉપદ્રવ દૂર કરવા માટે વારંવાર મીટીંગો મળતી હોય છે. કોર્પોરેશન દ્વારા વારંવાર જે પશુપાલકના ઢોર પકડાતા હોય તેવાને પાસા કરવા માટે પણ પોલીસને અપીલ કરવામાં આવી હતી.

બીજી તરફ રખડતા ઢોરોને દ્વારા નાગરિકો પર હુમલા કરવાના પણ બનાવો બનતા હોય છે. જેમાં ગઈકાલે ભાજપના વોર્ડ નંબર 11 ના મહિલા પ્રમુખ ઉપર પણ હુમલો થતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા.
દરમિયાનમાં આજે લક્ષ્મીપુરા વિસ્તારમાં સપનાના વાવેતર હોલ નજીક કેટલાક ઢોરો રસ્તો આંતરીને બેઠા હોવાથી વાહનચાલકોને અડચણ પડી રહી હતી. લક્ષ્મીપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે દરમિયાન ઢોરો નજરે પડતા પોલીસે કોર્પોરેશનને સામે ચાલીને જાણ કરી હતી અને તાત્કાલિક સ્ટાફ મોકલી આપવા માંગણી કરી હતી. કોર્પોરેશનની કેટલ પાર્ટીએ પોલીસની મદદ લઇ આઠ ભેંસ અને એક ગાય મળી નવ ઢોર પકડાયા હતા. પોલીસે ઢોર રખડતા મૂકનાર પશુપાલકો સામે ગુનો નોંધ્યો હતો.




