ગુજરાતમાં બે જ વર્ષમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધીને 376 થઈ, દર પાંચ દિવસે બની રહ્યું છે નવું ઘરડાઘર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

The Changing Face of Gujarat, Seniors Living Solo : ગુજરાતમાં સંયુક્ત પરિવારની પરંપરાગત વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે, જેની સીધી અસર વૃદ્ધોના જીવન પર જોવા મળી રહી છે. સંતાનો નોકરી-ધંધા અર્થે અન્ય શહેરોમાં કે વિદેશમાં સ્થાયી થવાથી એકલા પડતાં માતા-પિતા માટે વૃદ્ધાશ્રમ હવે માત્ર નિરાધાર લોકો માટેનું આશ્રયસ્થાન નથી. ગુજરાતના શહેરોમાં ખાનગી ધોરણે કે ટ્રસ્ટ સંચાલિત સીનિયર કેર હોમ્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સ્થિતિમાં અમદાવાદ જેવા શહેરમાં અખબાર નગર, વાડજ, નારણપુરા અને વસ્ત્રાપુર જેવા વિસ્તારોમાં વૃદ્ધાશ્રમ કે સીનિયર લિવિંગ સ્પેસ માટે બંગલૉ અને ટેનામેન્ટની માંગ પણ નોંધપાત્ર રીતે વધી છે.
બે વર્ષના આંકડા અને વૃદ્ધ સંભાળ સંસ્થાઓનો વ્યાપ
વર્ષ 2026ના બિઝનેસ-લિસ્ટિંગ ડેટા અનુસાર ગુજરાતમાં હાલ આશરે 376 જેટલા પ્રાયવેટ અને સંસ્થાકીય વૃદ્ધાશ્રમો, સીનિયર લિવિંગ અને કેર સેન્ટરો નોંધાયેલા છે. બે વર્ષ પહેલાંના અહેવાલોમાં આ સંખ્યા 235થી વધુ હતી. આમ, છેલ્લા બે જ વર્ષમાં આશરે 140 નવી સંસ્થા ઉમેરાઈ છે. સરેરાશ ગણતરી કરીએ તો ગુજરાતમાં દર 5 દિવસે વૃદ્ધોની સંભાળ રાખતી એક નવી સંસ્થા ઉમેરાઈ રહી છે.
અમદાવાદ અને મુખ્ય શહેરોની સ્થિતિ
ગુજરાતમાં વૃદ્ધ સંભાળના આ નવા નેટવર્કનું સૌથી મોટું કેન્દ્ર અમદાવાદ બન્યું છે. વર્ષ 2026ના ડેટા અનુસાર અમદાવાદમાં આશરે 86, સુરતમાં 63, વડોદરામાં 48, રાજકોટમાં 23 અને જૂનાગઢમાં 17 લિસ્ટેડ વૃદ્ધાશ્રમ છે. માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મળીને 220 જેટલી સંસ્થા છે. અમદાવાદમાં એક સમયે માત્ર 15 જેટલા વૃદ્ધાશ્રમ હતા, જે વધીને 42 થયા હતા અને હવે વિવિધ ડિરેક્ટરીઓમાં 86 જેટલી સંસ્થાનું લિસ્ટિંગ છે, જેમાં આ વૃદ્ધાશ્રમો ઓલ્ડ એજ હોમ, આસિસ્ટેડ લિવિંગ, સીનિયર કેર હોમ્સ અને સ્પેશિયલ કેર સેન્ટરો તરીકે પણ નોંધાયેલા છે.
સામાજિક મુશ્કેલીમાંથી સર્જાયું વિકસતું સર્વિસ સેક્ટર
ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગની સત્તાવાર યાદીમાં પણ અમદાવાદ, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, દાહોદ, નર્મદા, પંચમહાલ, પાટણ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં વૃદ્ધાશ્રમોની વિગતો દર્શાવાઈ છે. બદલાતી જીવનશૈલી, વિદેશ વસવાટ અને એકલવાયા જીવનના કારણે સર્જાયેલી વૃદ્ધોની સામાજિક મુશ્કેલી, આ સ્થિતિમાં જાણે એક ઝડપથી વિકસતા સર્વિસ સેક્ટરમાં ફેરવાઈ ગઈ છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં લિસ્ટેડ વૃદ્ધાશ્રમો
- અમદાવાદ - 86
- સુરત - 63
- વડોદરા - 48
- રાજકોટ - 23
- જૂનાગઢ - 17
- ચાર મુખ્ય શહેરમાં કુલ - 220
- સમગ્ર ગુજરાતમાં અંદાજિત - 376
- (આંકડા 24 સપ્ટેમ્બર 2026 સુધીના)




