Gujarat

વડોદરા: આજવા રોડ સ્થિત રાત્રી બજાર પાંચ વર્ષ બાદ કાર્યરત થશે, જાહેર હરાજી દુકાનો વેચવાની કાર્યવાહી

By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021
વડોદરા: આજવા રોડ સ્થિત રાત્રી બજાર પાંચ વર્ષ બાદ કાર્યરત થશે, જાહેર હરાજી દુકાનો વેચવાની કાર્યવાહી

વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર

વડોદરા શહેરના આજવા રોડ બાયપાસ પાસે 05 વર્ષ અગાઉ તૈયાર થયેલા રાત્રી બજારનો ઉપયોગ શરૂ ન થતાં કરોડો રૂપિયાનો વેડફાટ નજરે ચડયો હતો. દરમિયાન આજરોજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ આજવા રાત્રી બજાર ની મુલાકાત લઇ ૨૫મી ડિસેમ્બરથી કાર્યરત થવાનું જણાવી મેન્ટેનન્સ હાથ ધર્યું હતું.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ વિસ્તારમાં રાત્રી બજારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાનો આંધળો ખર્ચ કર્યાં પછી હજી સુધી લોકોને આકર્ષવામાં આયોજન સફળ રહ્યું ન હતું. તાજેતરમાં આજવા રાત્રી બજારની હાલત દયનીય બનવા પામી હતી. રાત્રી બજારમાં સાર સંભાળ નહિ રાખતા ઝાડી જાખરા ઉગી નીકળ્યા હતા. તેમજ અસામાજિક તત્વો દારૂની પાર્ટી યોજતા હોય તેમ ખાલી બોટલો મળી આવી હતી. 

દરમિયાન આજરોજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્ર પટેલ પાલિકાના એન્જિનિયર અને સ્થાનિક કોર્પોરેટરો સ્થળ પર પહોંચ્યા હતા અને મેઇન્ટેનન્સ કાર્ય હાથ ધર્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલના કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ સાત વર્ષ પૂર્વે જ્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ હતા ત્યારે આજવા રોડનો રાત્રી બજારનો પ્રોજેક્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો પરંતુ તેનો ઉપયોગ શરૂ નહીં થતાં તેની હાલત બિસ્માર થઈ ગઈ હતી.