Gujarat

મુંબઈના વેપારીએ હીરાનું બાકી પેમેન્ટ રૂ.9.56 લાખ ચુકવ્યું નહીં

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
મુંબઈના વેપારીએ હીરાનું બાકી પેમેન્ટ રૂ.9.56 લાખ ચુકવ્યું નહીં

- જવેલર પાસેથી રૂ.13.65 લાખના હીરા ખરીદી 15 દિવસમાં પેમેન્ટનો વાયદો કરી માત્ર રૂ.4.09 લાખ જ ચૂકવ્યા હતા

(પ્રતિનિધિ દ્વારા) સુરત,03,માર્ચ, ગુરુવાર

સુરતના ઝાંપાબજારમાં ઓફિસ ધરાવતા ઘોડદોડ રોડના જવેલર્સ પાસેથી મુંબઈના વેપારીએ રૂ.13.65 લાખના હીરા ખરીદી બાકી પેમેન્ટ રૂ.9.56 લાખ નહીં ચુકવતા મહિધરપુરા પોલીસે અરજીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ રંગીલાપાર્ક પ્રિન્સ ટાવરમાં રહેતા 51 વર્ષીય અશેષભાઈ સુરેશભાઈ પચ્ચીગર ઝાંપાબજાર દેવડી પાસે અશ્મા રેસિડેન્સી મેઝાનાઇન ફ્લોર ખાતે દાગીના બનાવી ઈમ્પોર્ટ એક્ષ્પોર્ટનું કામ કરે છે. વર્ષ 2016-17 માં તે ધંધાર્થે થાઈલેન્ડ ગયા હતા. ત્યારે તેમની મિત્રતા દેવેનભાઇ ચંદ્રકાંતભાઈ વકીલ (રહે.બી/601, સરસ્વતી એપાર્ટમેન્ટ, છત્રપતી શીવાજી કોમ્પ્લેક્ષ, આર.ડી. નં.4, શક્તીનગર પાછળ, દહીંસર ( ઈસ્ટ ), મુંબઈ ) સાથે થઈ હતી. મુંબઈ કરતા સુરતમાં હીરા સસ્તા મળતા હોય દેવેનભાઈએ ફેબ્રુઆરી 2018 માં અશેષભાઈ પાસેથી કુલ રૂ.13,65,360 ના હીરા 15 દિવસમાં પેમેન્ટના વાયદે લીધા હતા. જોકે, બાદમાં સમયસર પેમેન્ટ નહીં કરી તેમણે વાયદા કર્યા હતા.

અવારનવાર ફોન કરતા દેવેનભાઈએ તેમના પરિચિત ડો.પ્રફુલભાઈ નાયક મારફતે ટુકડેટુકડે રૂ.4.09 લાખ ચૂકવ્યા હતા. જયારે બાકીના રૂ.9,56,360 નહીં ચુકવતા અશેષભાઈએ પોલીસમાં અરજી કરી હતી. અરજીના આધારે મહિધરપુરા પોલીસે ગતરોજ દેવેનભાઈ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.