Gujarat

ખેલ મહાકુંભમાં આંકડાની માયાજાળ, શાળાઓ પર તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવા દબાણ

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં આગામી ખેલ મહાકુંભ માટે રજિસ્ટ્રેશન શરૂ થયું છે. આ વખતે ગત વર્ષ કરતા વધુ ખેલાડીઓ નોંધાવવાનો ટાર્ગેટ છે, જેમાં શાળાઓ અને શિક્ષકોને 1000 થી 1500 ખેલાડીઓનું દૈનિક રજિસ્ટ્રેશન કરવા સૂચના અપાઈ છે. ટોચની 3 સંસ્થાઓને ઇનામો પણ મળશે. જોકે, જાણકારો મુજબ વાસ્તવિક મેદાન પર ખેલાડીઓની સંખ્યા ઓછી રહે છે. આ આંકડાકીય માયાજાળથી સ્પોર્ટ્સ ક્રાંતિનો દેખાવ કરાઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેલ મહાકુંભમાં આંકડાની માયાજાળ, શાળાઓ પર તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવા દબાણ

Khel Mahakumbh Gujarat : આગામી ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, ત્યારે આ વખતે ખેલાડીઓના કુલ ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આંકડો ગત વર્ષ કરતા મોટો દર્શાવવા અને ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્રાંતિ સર્જાઈ હોવાનો દેખાવો કરવાની આંકડાકીય માયાજાળ રચવામાં આવી રહી છે. ગત વર્ષ એટલે કે 2024-25 માં યોજાયેલા મહાકુંભ 3.0 માં કુલ 39 રમત સામેલ હતી, જેમાં 71.30 લાખ ખેલાડીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું. આ વખતે પણ રજિસ્ટ્રેશનનો આંકડો ગત વર્ષ કરતા વધુ જ રહેનાર છે.

શાળાઓ અને શિક્ષકોને આપવામાં આવ્યા ટાર્ગેટ

સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક શાળા-કોલેજોને રજિસ્ટ્રેશન માટે ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને કોઈને કોઈ રમતમાં ખેલાડી તરીકે ઓનલાઇન રજિસ્ટ્રેટ કરવા માટે મૌખિક સૂચનાઓ અપાઈ છે. વ્યાયામ શિક્ષકોથી લઈને કોચને દરરોજ 1000 થી 1500 જેટલા ખેલાડીઓની નોંધણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કામગીરી માટે હવે રમતગમત વિભાગની સાથે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંસ્થાઓ પણ મેદાને આવ્યા છે, જેથી શૈક્ષણિક સંસ્થાઓ પર દબાણ વધ્યું છે.

ઇનામો અને વાસ્તવિક મેદાનની સ્થિતિ વચ્ચે તફાવત

સરકાર દ્વારા સૌથી વધુ રજિસ્ટ્રેશન કરનારી ટોચની 3 સંસ્થાઓને અનુક્રમે 5 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. જોકે, રમત જગતના જાણકારોનું કહેવું છે કે વાસ્તવિક સ્થિતિ અલગ છે. જો ટીમ ગેમમાં 100 કે 150 ટીમો ઓનલાઇન નોંધાયેલી દેખાય, તો મેદાન પર રિપોર્ટિંગ વખતે આંકડો અડધો થઈ જાય છે. ઘણી શાળાઓ વિદ્યાર્થીઓને માત્ર રજિસ્ટ્રેશનમાં જ નોંધે છે પરંતુ ક્યારેય રમવા મોકલતી નથી. આ ફુગાવાને કારણે ખરેખર સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓના સાચા આંકડા ક્યારેય જાહેરમાં લાવવામાં આવતા નથી.