Gujarat

લોન કૌભાંડીઓએ બરોડા ગ્રામીણ બેન્કમાંથી પણ ૧૩ કારની લોન લઇને હપ્તા ભર્યા નહતા

By GS Team
12 Mar 20222 mins read
This article was originally published on 12 Mar 2022
લોન કૌભાંડીઓએ બરોડા ગ્રામીણ બેન્કમાંથી પણ ૧૩ કારની લોન લઇને હપ્તા ભર્યા નહતા

 વડોદરા,પાદરા સ્ટેટ બેંકમાંથી કાર લોન લઇ બારોબાર વેચી દેવાના ચકચારભર્યા કૌભાંડમાં બે ભેજાબાજોના રિમાન્ડ પૂરા થતા તેઓને કોર્ટમાં રજૂ કરાતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.આરોપીઓએ સ્ટેટ બેન્ક ઉપરાંત બરોડા ગ્રામીણ બેન્કની વાઘોડિયારોડ શાખા તથા મહિન્દ્રા ફાયનાન્સમાંથી  પણ આ  રીતે લોન લઇ હપ્તા નહી ભરી છેતરપિંડી કરી હોવાની વિગતો  પ્રકાશમાં આવી છે.

પાદરા પોલીસ સ્ટેશનમાં રૃા.૩૩.૯૪ લાખની ઠગાઇની ફરિયાદ બાદ પાદરા પોલીસે  રાજેશ સુમનભાઇ શાહ (રહે.  વિસ્તારમાં મધુપુરી એપાર્ટમેન્ટ આજવારોડ) તથા આશુતોષ શૈલેષ પરીખ (રહે.ઘનશ્યામપાર્ક સોસાયટી , વારસિયા રિંગરોડ, વડોદરા)ની પણ ધરપકડ કરી રિમાન્ડ લીધા હતા.પોલીસે બંનેની પૂછપરછ કરતા એવી વિગતો જાણવા મળી હતી કે,રાજેશને આધારકાર્ડ સહિતના બોગસ દસ્તાવેજો માંજલપુર સ્મશાન પાસે રહેતા અનિલ પાનતે બનાવી આપ્યા હતાં. આ ઉપરાંત બેંકમાં એકાઉન્ટ ખોલાવવા અને લોન અપાવવા માટે મહીન તડવી તેમજ હર્ષલ મોચી રાજેશને મદદ કરતા હતા જ્યારે બલ્લી સરદાર નામનો શખ્સ લોન પરની કાર બારોબાર વેચી દેતો હતો. 

પોલીસની તપાસમાં એવી પણ વિગતો બહાર આવી છે કે,ઠગ ટોળકીએ વાઘોડિયારોડ પર આવેલી બરોડા ગ્રામીણ બેન્કમાંથી  પણ ખોટા દસ્તાવેજોના આધારે ૧૩ કારની લોન લીધી હતી.અને એકપણ ગાડીનો હપ્તો ભર્યો નહતો.જે વ્યક્તિના નામે લોન લેવામાં આવી હતી.તે વ્યક્તિ અને કારનો હજીસુધી કોઇ પત્તો નથી.રાજેશ અને આશુતોષના ઘરેથી મળેલા પાનકાર્ડ, આધારકાર્ડની વિગતો મેળવવા માટે પોલીસે ઇન્કમટેક્સ અને આધારકાર્ડ એજન્સીનો સંપર્ક કર્યો છે.મહિન્દ્રા ફાયનાન્સ કંપનીના મેનેજરે પણ પોલીસનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે,આરોપી રાજેશ શાહે વર્ષ-૨૦૧૮ માં પણ તેમની કંપનીમાંથી કાર લઇને લોનના હપ્તા ભર્યા નહતા.



કાર લોન કૌભાંડના ચાર આરોપી ઘર છોડીને  ફરાર

 વડોદરા,પોલીસે વોન્ટેડ આરોપી હર્ષલ મોચી, મહીમ તડવી, બલ્લી સરદાર અને અનિલ પાનતને શોધવા માટે તેઓના ઘરે તપાસ કરી હતી.પરંતુ,તેઓ મળી આવ્યા નથી.અનિલ પાનતના ઘરેથી  પોલીસને પ્રિન્ટર, લેપટોપ, કોમ્પ્યુટર અને ટેબલેટ મળી આવ્યા હતા.જે ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યા છે.અનિલ બોગસ દસ્તાવેજ બનાવવામાં માસ્ટર માઇન્ડ છે.અને તેની સામે અગાઉ ગોરવા, ડીસીબી, અને છાણી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયા હોવાની વિગતો મળી છે.