Gujarat

સોમનાથ મંદિરે પૂજન અને સાસણમાં સિંહ દર્શન બાદ આજે રાષ્ટ્રપતિ દર્શનાર્થે દ્વારકા પહોંચશે

By GS TEAM
10 Oct 20252 mins read
સોમનાથ મંદિરે પૂજન અને સાસણમાં સિંહ દર્શન બાદ આજે રાષ્ટ્રપતિ દર્શનાર્થે દ્વારકા પહોંચશે

આજે દ્વારકામાં જગત મંદિરે કાળિયા ઠાકોરના દર્શન બાદ રાષ્ટ્રપતિ અમદાવાદ જશે : 3 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન કાઠિયાવાડની પરંપરાગત મહેમાનગતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે યાદગાર બની રહેશે 

રાજકોટ, : દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદીમુર્મુ ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે ગઈકાલે રાજકોટ આવી પહોંચ્યા બાદ આજે રાજકોટથી સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવના દર્શને ગયા હતાં જયાં પુજન આરતી બાદ હેલિકોપ્ટર મારફતે સાસણ પહોંચ્યા હતાં. સાસણમાં જંગલ સફારી સિંહદર્શન બાદ મોડી સાંજે સિંહસદન ખાતે ગીરના આદિવાસીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. સાસણમાં રાત્રિ રોકાણ  બાદ રાષ્ટ્રપતિ આવતીકાલ તા.10 ના સવારે હેલિકોપ્ટર દ્વારા દ્વારકા પહોંચશે. અહી જગતમંદિરે કાળિયા ઠાકોરના દર્શન  કર્યા બાદ અમદાવાદ જવા રવાના થશે. 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનો મુકામ હોવાથી રાજકોટ, જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં વહીવટી અને પોલીસતંત્રમાં એલર્ટ જોવા મળ્યું હતું.

રાજકોટ ખાતે આગમન થયા બાદ અહીના સર્કીટ હાઉસ ખાતે કાઠીયાવાડી ભોજન સાથે આતિથ્યને માણ્યું હતું. રાત્રિ રોકાણ બાદ રાષ્ટ્રપતિ સવારે હેલિકોપ્ટર મારફતે સોમનાથ મંદિરે દર્શનાર્થે જવા રવાના થયા હતાં. દ્વાદશ જયોર્તિલીંગમાં સમાવિષ્ટ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન પુર્વે ત્રિવેણી હેલીપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિએ સોમનાથ મંદિર પરીસદમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી. અહીં દેવાધિદેવના દર્શન પુજન આરતી બાદ તેઓ હેલિકોપ્ટર મારફતે સાસણગીર હેલીપેડ ખાતે પહોંચતા તેઓનું ઉષ્માસભર સવાગત કરવામાં આવ્યું હતું.

સાસણમાં જંગલ સફારી સાથે સિંહોને નિહાળ્યા બાદ સાંજના સિંહસદન ખાતે રાષ્ટ્રપતિએ ગીરના આદિવાસી સમુદાયો સાથે મુલાકાત કરી સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો. રાત્રિ રોકાણ સાસણમાં કર્યા બાદ તા. 11નાં શનિવારે સવારે સાસણથી તેઓ હેલીકોપ્ટર દ્વારા દ્વારકાના જગતમંદિરે દર્શનાર્થે પહોંચશે. દ્વારકા ખાતે કાળીયા ઠાકોરના દર્શન પુજન આરતી બાદ તેઓ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે આયોજિત પદવીદાન સમારોહમાં હાજરી આપવા અમદાવાદ જવા રવાના થશે.