Gujarat

મૃતક ગ્રીસમાના ઇજાગ્રસ્ત ભાઈને સ્મીમેરમાં દોઢ કલાક સુધી સારવાર નહીં મળી

By GS Team
15 Feb 20222 mins read
This article was originally published on 15 Feb 2022
મૃતક ગ્રીસમાના ઇજાગ્રસ્ત ભાઈને સ્મીમેરમાં દોઢ કલાક સુધી સારવાર નહીં મળી

- મૃતકના ભાઇને સારવારમાં વિલંબ કરનાર તબીબ સામે પગલાં ભરવા નગરસેવકની માંગ

પ્રતિનિધિ દ્વારા સુરત, મંગળવાર

સુરતના ચર્ચાસ્પદ ગ્રીષ્મા હત્યા કાંડમાં મૃતકના ભાઇને ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ તેને દોઢ કલાક સુધી સારવાર ન આપી હોવાની ફરિયાદ બહાર આવી છે. જેના કારણે આ ગંભીર બેદરકારી રાખનાર તબીબ સામે પગલાં ભરવા નગરસેવકે માંગ કરી છે.

સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યાકાંડ બાદ ચારેય તરફથી હત્યારા સામે ફિટકાર વરસી રહ્યો છે. આ ઘટનામાં મૃતકના ભાઇ અને કાકા ને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા મૃતકના સંબંધીઓની ખબર લેવા માટે રાજકારણીઓ એક પછી એક જઇ રહ્યા છે. ગઈકાલે કતારગામના કોર્પોરેટર દક્ષેશ માવાણી હોસ્પિટલ ગયા હતા. જ્યાં તેઓએ મૃતકના સગા અને સંબંધીઓની સાથે ચર્ચા કરી હતી. દરમિયાન સંબંધીઓએ સ્મીમેર હોસ્પિટલના તબીબોની ગંભીર ફરિયાદ કરી હતી. મૃતકના ભાઇ ને ઈજા થઈ હતી તેને સારવાર દોઢ કલાક પછી આપવામાં આવી હતી. આ સાંભળીને નગર સેવા સદન સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલને હોસ્પિટલની ગંભીર બેદરકારી થી વાકેફ કર્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને દોઢ કલાક સુધી સારવાર નહીં આપનાર તબીબ સામે નોટી સહિતના અન્ય પગલાં ભરવા માટે ની માંગણી કરી હતી. પાલિકા સ્મીમેર હોસ્પિટલ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે તેમ છતાં પણ દર્દીઓને સારવાર માટે હાલાકી પડે છે તે દૂર થવી જોઈએ તેવી માંગણી કરી હતી.