Gujarat

ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી

By GS TEAM
6 May 20262 mins read
ભાયલી ગેંગ રેપ કેસમાં સરકાર પક્ષે સતત ચાર કલાક સુધી ફાઇનલ દલીલો કરી

વડોદરા : નવરાત્રીના તહેવારમાં ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં તમામ આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા બાદ હાલ આ કેસમાં ફાઇનલ દલીલો ચાલી રહી છે ત્યારે આજે સરકાર પક્ષે હાજર ત્રણ એડવોકેટે આરોપીઓ સામે સક્ષમ પુરાવા હોવાની રજૂઆત સાથે સતત ચાર કલાક સુધી દલીલો કરી હતી. આ કેસમાં કુલ ૪૫ સાક્ષીઓએ જુબાની આપી છે અને  એક પણ સાક્ષી હોસ્ટાઇલ જાહેર થયો નથી.

ઉલ્લેખનીય છે કે, તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ની રાત્રે પાંચ શખ્સે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અને અજમલ બનજારાની ધરપકડ કરી હતી. આ કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલ કોર્ટમાં હાલ ચાલી રહી છે ત્યારે તમામ ૪૫ સાક્ષીની જુબાની પુરી થયા બાદ આરોપીના ફર્ધર સ્ટેમેન્ટ પણ લેવાઇ જતા હવે ફાઇનલ દલીલો કોર્ટમાં શરૃ થઇ છે.

સ્પેશ્યલ સરકારી વકીલ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, આજે  કોર્ટમાં સરકાર તરફે અંદાજે ચાર કલાક સુધી દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ સાક્ષીઓએ આપેલી જુબાની સાયન્ટિફિક પુરાવા તેમજ સીસીટીવી ફુટેજ સહિતના જે પુરાવાઓ છે તે આરોપીઓ સામેનો ગુનો પુરવાર કરતા હોવાની દલીલો કરવામાં આવી હતી.સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ તેમજ સુરતના મુખ્ય સરકારી વકીલ પણ હાજર રહ્યાં હતા અને અંદાજે ચાર કલાક સુધી દલીલો કરવામાં આવ્યા બાદ ન્યાયાધીશે કેસની વધુ સુનાવણી તા.૭ મેના રોજ રાખવાનું ઠરાવ્યું હતું.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાયલી ગેંગ રેપ કેસમાં તમામ ૪૫ સાક્ષીની જુબાની, ક્રોસ, ફર્ધર સ્ટેટમેન્ટ સહિતની તમામ કાનુની પ્રક્રિયાઓ પુરી થઇ ગઇ હોવાથી ફાઇનલ દલીલો પુરી થયા બાદ આ મહિનાના અંત સુધીમાં કેસનો ચૂકાદો આપી જશે તેમ મનાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાયલી ગેંગ રેપ કેસની ઘટના નવરાત્રીના તહેવારમાં બનતા આ બનાવે સમગ્ર ગુજરાતમાં ભારે ચકચારી જગાવી હતી અને રાજ્ય સરકારે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ આ કેસમાં વડોદરાના મુખ્ય સરકારી વકીલ ઉપરાંત સુરતના મુખ્ય સરકારી વકીલ અને એક સિનિયર વકીલની સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે નિમણૂંક કરી છે.