Gujarat

વેટની બાકી રકમ અને દંડ ન ભરપાઈ કરી સરકારને 12.10 કરોડનો ધુંબો

By GS TEAM
18 Mar 20262 mins read
વેટની બાકી રકમ અને દંડ ન ભરપાઈ કરી સરકારને 12.10 કરોડનો ધુંબો

મૂળ ભરપાઈ કરવાની રકમ કરતા વ્યાજ વધુ થઈ ગયું : વેરાવળના રાજ્ય વેરા નિરીક્ષકની અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના વેપારી સામે ફરિયાદ

 જૂનાગઢ : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના વેપારીએ ચોરવાડમાં વેપારી પેઢી બનાવી હતી અને તેનું વેરાવળ વેરા નિરીક્ષકની કચેરીમાં નોંધણી કરાવી હતી 2013 સુધી  ધંધો કરવામાં આવ્યો છતાં સરકારમાં વેરો ભરપાઈ કર્યો ન હતો.આથી દંડ અને વ્યાજ સહિત આ રકમ 12.10 કરોડ જેટલી થઈ ગઈ હતી.આ મામલે આજે વેરાવળના રાજ્ય વેરા નિરીક્ષકે ફરિયાદ કરતા ચોરવાડ પોલીસે ઘાટલોડિયાના વેપારી સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના કેશવ સ્ટીલના માલિક સુનિલ ઉપેન્દ્ર પોદારે ચોરવાડના ગડું રોડ પર ધંધાનું વધારાનું સ્થળ ( ગોડાઉન)બનાવ્યું હતું ત્યાંથી સ્ટીલ અને લોખંડનું વેંચાણ થતું હતું.આ વેપારીએ 5-1-2009 થી  વેરાવળ રાજ્ય વેરા નિરીક્ષકની કચેરીમાં નોંધણી કરાવી હતી.નોંધણી નંબર મેળવ્યા બાદ વેપારીએ કોઈ વેરા ભરપાઈ કર્યા ન હતા.વેરા નિરીક્ષક કચેરી દ્વારા ઓડિટ આકારણીમાં  વેરો ભરપાઈ કરવા અંગે અનેક પત્ર મોકલવામાં આવ્યા હતા પરંતુ વેપારીએ આ રકમ ભરપાઈ કરી ન હતી.વેરાવળ રાજ્ય વેરા નિરીક્ષકની કચેરી દ્વારા અગાઉના વર્ષોનો ભરપાઈ કરવાનો 3.76કરોડનો વેરો,તેના પર 2.43 કરોડનું વ્યાજ અને 5.89 કરોડ દંડ મળી કુલ 12.10 કરોડ રૂપિયા ભરપાઈ કરવા પત્ર મોકલ્યો હતો તેમ છતાં વેપારીએ રકમ ભરપાઈ કરી ન હતી.

આખરે આજે વેરાવળ સહાયક રાજ્ય વેરા નિરીક્ષક કચેરીના વેરા નિરીક્ષક વિરલભાઈ ભાયાભાઈ કળોતરાએ ઘાટલોડિયાના કેશવ સ્ટીલના માલિક સુનિલ ઉપેન્દ્ર પોદાર સામે સરકારને 12.10 કરોડનો વેરો ભરપાઈ ન કરી રકમ ડુબાડી દઈ આથક નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવતા ચોરવાડ પોલીસે ગુજરાત મૂલ્ય વધત વેરા અધિનિયમ 2003ની કલમ મુજબ ગુનો દાખક કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે  આમ આટલા વર્ષોની બાકી રકમ ભરપાઇ ન થતા હવે છેક ફરિયાદ દાખલ થઈ છે.