Get The App

એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
એપસ્ટીનની ફાઈલથી પણ ખતરનાક ભવનાથના સાધુના ખેલઃ અમરગીરી 1 - image

'બે નંબરના ધંધા કરી રાજાઓની જેમ રજવાડી ઠાઠ ભોગવે છે' : ઈન્દ્રભારથી સામે ભવનાથ ગુરૂ શિષ્ય પરંપરાના અમરગીરી મેદાને : નશાકારક પદાર્થ અને છોકરીઓના કારોબાર જેવા ગંભીર આક્ષેપ

જૂનાગઢ, : છેલ્લા થોડા દિવસથી ભવનાથના સાધુઓનો વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે. ભવનાથ મંદિરના પૂર્વ મહંત રઘુનાથગીરીના શિષ્ય અને વર્ષોથી ભવનાથ મંદિરના મહંત તરીકેના દાવેદાર અમરગીરી બાપુએ ગિરનાર સાધુ મંડળના પ્રમુખ અને રૂદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત એવા ઈન્દ્રભારથી સામે ગંભીર આરોપ લગાવતા ચકચાર મચી ગઈ છે. 

કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યું ત્યારથી શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી. વર્ષોથી ભવનાથ મંદિરના મહંત માટે લડાઈ કરતા અને રઘુનાથગીરીના શિષ્ય એવા અમરગીરીએ મહામંડલેશ્વર બજરંગદાસ બાપુના આક્ષેપોને સમર્થન આપ્યું છે. તેણે ઈન્દ્રભારથી સામે આક્રમક વલણ અપનાવતા કહ્યું છે કે, તેઓ ઈન્દ્રભારથીથી ડરતા નથી, 'ઈન્દ્રભારથીના રૂદ્રેશ્વર જાગીર આશ્રમમાં જે સંચાલન છે તે એપસ્ટીનની ફાઈલ ખૂલી તેના કરતા પણ વધારે શોભાયમાન નથી. ઈન્દ્રભારથી દ્વારા આશ્રમના ગેઈટ બંધ રાખવાની બાબત વ્યાજબી નથી. છોકરીઓ લાવતા હોય, ચરસ, ગાંજો, અફીણ, હેરોઈન, કોકેઈન મહાત્માઓ કરતા હોય છે. આ મહાત્માઓનો કરોડો રૂપિયાનો આશ્રમ છે. રાજાઓની જેમ રજવાડી ઠાઠ ભોગવે છે કેમ કે બે નંબરના ધંધા કરે છે.' સૌથી ચોંકાવનારા આક્ષેપ કર્યા છે કે, 'ભવનાથને પચાવી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને અમારા ગુરૂભાઈ રમેશગીરી બાપુની હત્યા શંકાસ્પદ છે.' તેમણે સરકારને વિનંતી કરી છે કે, આ તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જેઓ સાધુના વેશમાં રહી કુકર્મ કરે છે, તેમના કપડાં ઉતરી જવા જોઈએ.

અમરગીરીએ ભવનાથ અને અંબાજી મંદિરના મહંતની નિમણૂક બાબતે કલેક્ટર અને પ્રાંત અધિકારીને વિનંતી કરી છે કે, બંને મંદિરના મહંત તરીકેના નિમણૂક ઓર્ડર વહેલી તકે જારી કરવામાં આવે. આ નિમણૂક પ્રક્રિયા જેટલી જલ્દી પૂર્ણ થાય તેટલું જ ભવનાથનું હિત છે. આ ઉપરાંત અમરગીરીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, અત્યારે જે મૃગીકુંડમાં ગૃહસ્થીઓએ સ્નાન કર્યાનો વિવાદ ચાલે છે તેમાં સાધુની સંડોવણી શોભે નહીં, સાધુ સમાજે મર્યાદા જાળવવી જોઈએ.