વડોદરા દુષ્કર્મ કેસ: FSLના રિપોર્ટમાં યુવતી પર બળાત્કાર થયો નથીનું જણાઈ આવ્યું

વડોદરા, તા. 06 ડિસેમ્બર 2021 સોમવાર
વડોદરા શહેરના વેક્સિન ગ્રાઉન્ડ ખાતે દુષ્કર્મ અને આપઘાતના બનાવને 35 દિવસનો સમય વિત્યો હોવા છતાં હજુ સુધી પોલીસને આરોપીના સગડ મળ્યા નથી. પીડિતાને થયેલી ઇજાના પગલે પોલીસ બળાત્કારની થિયરી ઉપર તપાસ ચલાવી રહી છે. ગાંધીનગરથી આવેલા એફ.એસ.એલ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે એટલે કે યુવતી પર દુષ્કર્મ થયુ ન હતુ. હાલમાં આ રિપોર્ટ વડોદરા રેલવે પોલીસને સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરના વેક્સિન ગ્રાઉન્ડ ખાતે દુષ્કર્મથી ડધાયેલી યુવતીએ ચાલુ ટ્રેનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી મુકી છે. આ ગુનાની તલસ્પર્શી તપાસ અને આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગની વિવિધ સંસ્થાઓનો સહયોગ પણ લેવામાં આવી રહ્યો છે.
દરમિયાન આજરોજ એસઆઇટીના અધિકારીએ જણાવ્યું હતું કે ,પીડિતાનું મોત કારણ શ્વાસ રૂંધાવાથી થયું છે તેને કોઈ ઝેર આપવામાં આવ્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીને ત્રણ જગ્યાએ ઇજાના નિશાન મળી આવ્યા છે. જેના આધારે બળાત્કારની શક્યતાને નકારી શકાય નહીં. જેથી પોલીસ તે થિયરી ઉપર તપાસ ચલાવી રહી છે.
સંસ્થાની પૂછતાછ દરમિયાન કોઈ મહત્ત્વનો પુરાવો હાથે લાગ્યો નથી. પીડિતાની ડાયરીમાંથી ઓરીજનલ કાગળ ફાડી પુરાવાનો નાશ કરનાર વ્યક્તિ હજુ સુધી મળી નથી. હાલના તબક્કે પોલીસનું મુખ્ય કામ આરોપીને વહેલી તકે ઝડપી પાડવાનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીની વિદ્યાર્થિની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગરેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં ઘણા દિવસો વીતી ગયા છે. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ, વડોદરા ક્રાઇમ બ્રાંચ, રેલવે પોલીસ, વલસાડ પોલીસ અને ગોત્રી પોલીસ સહિતની એજન્સીઓ તપાસમાં લાગી છે. આ ઉપરાંત આ કેસની તપાસ માટે SITની પણ રચના કરવામાં આવી છે. તેમ છતાં હજી આ મામલે આરોપીઓની ઓળખ થઈ શકી નથી.




